ધો.12 સાયન્સના બોર્ડ પરિણામને આધારે જે કોર્સીસમાં પ્રવેશ થાય છે તે નર્સિંગ-ફીઝિયોથેરાપી સહિતના પેરામેડિકલ કોર્સીસમાં હજુ સુધી સરકાર દ્વારા પ્રવેશ પ્રક્રિયા અને પ્રવેશ નિયમોની કોઈ જાહેરાત કરાઈ નથી.જેથી વિદ્યાર્થીઓ-વાલીઓ મુંઝવણમાં મુકાયા છે.
કોરોનાને પગલે આ વર્ષે ધો.12 સાયન્સની બોર્ડ પરીક્ષા રદ કરવામા આવી છે અને માસ પ્રમોશન આધારીત 12 સાયન્સનું બોર્ડ પરિણામ જાહેર કરી દેવાયુ છે પરંતુ હજુ સુધી 12 સાયન્સ પછીના પેરામેડિકલ કોર્સીસમાં પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત કરવામા આવી નથી.
ઈજનેરી-ફાર્મસી, બીએસસી સહિતના મોટા ભાગના પ્રોફેશનલ-વોકેશનલ કોર્સીસની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે પરંતુ બીએસસી નર્સિંગ,ફીઝિયોથેરાપી સહિતના પેરામેડિકલ કોર્સીસ માટે ક્યારથી પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે તેની કોઈ સ્પષ્ટતા ન કરાતા વિદ્યાર્થીઓ-વાલીઓ મુંઝાયા છે.
મેડિકલ-ડેન્ટલ માટે નીટ બાકી હોવાથી તેઓની પ્રવેશ પ્રક્રિયામાં ઘણો વિલંબ થશે પરંતુ જે કોર્સીસ માટે ધો.12 સાયન્સ-કોમર્સના પરિણામથી મેરિટ બને છે તે કોર્સીસ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દેવામા આવે તેવી માંગ ઉઠી છે. બીજી બાજુ સરકારે પ્રવેશ પ્રક્રિયા ટાણે જ પેરામેડિકલ પ્રવેશ સમિતિના મહત્વના સભ્યને છુટા કરી દીધા છે ત્યારે હવે પ્રવેશ સમિતિ ક્યારથી પ્રક્રિયા શરૂ કરશે,ક્યારથી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થશે તે મોટી મુંઝવણ ઉભી થઈ છે.