લાલપુર તાલુકાના મોટા પાંચસરા ગામની સીમના વાડી વિસ્તારમાં રહેતા અને તેના વતનમાંથી ભાગીને આવેલા પ્રેમી યુગલે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તરૂણીનું મોત નિપજ્યું હતું. જ્યારે યુવકનો બચાવ થયો હતો. પોલીસે આ બનાવમાં મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, મૂળ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દાઠા ગામમાં રહેતા અને મજૂરીકામ કરતા વિજય જીણા ચુડાસમા (ઉ.વ.21) નામના યુવકને તેના જ ગામમાં રહેતી એક તરૂણી સાથે પ્રેમ સંબંધ હતો અને તે દરમિયાન આ પ્રેમ સંબંધ પરિવારજનોને પસંદ ન હોવાથી યુવક અને યુવતી 30 મે ના રોજ તેના વતનથી ભાગીને લાલપુર તાલુકાના મોટા પાંચસરા ગામની સીમમાં આવેલી દિગ્વીજયસિંહ જાડેજાની વાડીમાં ખેતમજૂરી કામ કરતા હતાં. દરમિયાન શનિવારે રાત્રિના એક વાગ્યે ભાવનગર પોલીસની ટુકડી બન્નેને શોધતી શોધતી વડપાંચસરા ગામે આવી પહોંચી હતી. અને તેઓના રૂમનો દરવાજો ખોલવાનો પ્રયત્ન કરતા બન્ને ગભરાઈ ગયા હતાં અને પોલીસનું નામ સાંભળ્યા પછી ડરના માર્યા બન્ને સજોડે ઝેરી દવા પીધી લીધી હતી. આ ઘટના પછી ભાવનગર પોલીસે તાબડતોબ રૂમનો દરવાજો તોડી નાખી અંદર પ્રવેશ મેળવી લીધો હતો અને બન્નેને તાત્કાલિક અસરથી સરકારી જીપમાં જામનગરની જી. જી. હોસ્પિટલમાં સારવાર માટે પહોંચાડયા હતાં. જેમાં લાલપુર પોલીસની ટીમ પણ મદદમાં જોડાઈ હતી. પરંતુ જી. જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન 14 વર્ષની તરૂણીએ દમ તોડી દીધો હતો અને તેણીનું મૃત્યુ નિપજ્યું હતું જ્યારે વિજય ચુડાસમા જી.જી. હોસ્પિટલના ટ્રોમા વોર્ડમાં સારવાર મેળવી રહ્યો છે. અને હાલ તે પણ બેશુદ્ધ અવસ્થામાં છે.
ભાવનગર પોલીસ અને લાલપુર પોલીસ દ્વારા મૃત્યુ પામનાર તરૂણીના મૃતદેહનું તબીબોએ પેનલ મારફતે પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું. તેમાં તરૂણી સાથે દુષ્કર્મ થયું છે કે કેમ ? તે જાણવા માટે મૃતકના વિશરા લઇને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલાયા છે. જેનો રિપોર્ટ આવી ગયા પછી જ તેનું ચોકકસ કારણ અથવા રિપોર્ટ જાણી શકાશે. પરંતુ હાલમાં ભાવનગર પોલીસ દ્વારા તરૂણીના અપહરણ અંગેનો ગુનો નોંધાયો હતો. જેની તપાસ ચલાવાઈ રહી છે. બનાવની જાણ થતા મૃતક તરૂણીના પરિવારજનો તેમજ વિજયના પરિવારજનો જામનગરની જી. જી. હોસ્પિટલમાં દોડી આવ્યા છે. તરૂણીના મૃતદેહનો કબ્જો તેણીના પરિવારજનોને સોંપી દેવામાં આવતાં મૃતદેહને ભાવનગર તેના વતનમાં લઇ જવાયો છે. જ્યારે અપહરણ કરનાર આરોપી વિજય ઉપર પોલીસ બંદોબસ્ત મુકી દેવામાં આવ્યો છે.
વતનથી ભાગીને આવેલા યુવક અને તરૂણીએ સજોડે દવા ગટગટાવી
તરૂણીની માતા દ્વારા પોલીસ ફરિયાદ : શનિવારે રાત્રિના ભાવનગર પોલીસે દરવાજો ખખડાવતા ભયના માર્યા બન્ને દ્વારા આપઘાતનો પ્રયાસ : તરૂણીનું મોત