Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરવિકાસ દિવસ અંતર્ગત કોરોના વોરિયર્સનું સન્માન

વિકાસ દિવસ અંતર્ગત કોરોના વોરિયર્સનું સન્માન

જી. જી હોસ્પિટલ ખાતે પી. એસ. એ. ઓકિસજન પ્લાન્ટનું લોકાર્પણ કરાયું

- Advertisement -

સમગ્ર ગુજરાત રાજ્યમાં હાલ સરકારના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે, તે નિમિત્તે વિકાસ દિવસની ઉજવણી અંતર્ગત આરોગ્ય સુખાકારી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જામનગર ખાતે શહેર કક્ષાએ એમ.પી.શાહ મેડીકલ કોલેજના ઓડિટોરિયમ તેમજ ગ્રામ્ય કક્ષાએ જામજોધપુર સી.એચ.સી ખાતે પી.એસ.એ. ઓક્સિજન પ્લાન્ટના લોકાર્પણ તેમજ કોરોના વોરિયર્સને સન્માનિત કરાયા હતા.

એમ.પી.શાહ મેડીકલ કોલેજના ઓડિટોરિયમ ખાતે મેયર બીનાબેન કોઠારીના અધ્યક્ષસ્થાને તેમજ ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ અને સાંસદ પૂનમબેન માડમની ઉપસ્થિતિમાં જી.જી.હોસ્પિટલ તેમજ મહાનગરપાલિકાના કોરોના વોરિયર્સને સન્માનિત કરાયા હતા.

- Advertisement -

મેયર બીનાબેન કોઠારીએ જી.જી.હોસ્પિટલ સાથેના કોરોનાની બીજી લહેરના દિવસોને યાદ કરતા કહ્યું હતું કે, કોરોનાની બીજી લહેર વખતે જામનગરમાં જામનગર સિવાય અન્ય જિલ્લાઓના દર્દીઓ પણ મોટા પ્રમાણમાં સારવાર લઇ રહ્યા હતા ત્યારે અત્યંત કપરા સમયમાં આ ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ વગેરેએ સેવાકીય ભૂમિકા ભજવી છે.

વળી મુખ્યમંત્રીના નેતૃત્વમાં કોરોનાના કાળમાંથી પણ બહાર નીકળવા રાજયની પ્રજાને બળ મળ્યું છે. કોરોના સર્વે માટે ઘાતક નીવડ્યો, અનેક બાળકોએ પોતાના માતાપિતા ગુમાવ્યા ત્યારે તેમના માટે વડીલ તરીકે રાજ્યના મુખ્યમંત્રીએ મુખ્યમંત્રી બાળ સેવા યોજના લાગુ કરી વાલીપણું નિભાવ્યું. આમ વિકાસ સાથે જ ગુજરાતના વડીલ તરીકેની ભૂમિકા પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે ભજવી છે.

સાંસદ પૂનમબેન માડમએ અને ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે કોરોના કાળ દરમ્યાન પોતાના જીવને જોખમમાં મૂકીને પણ લોકોની સુશ્રુષા કરનાર ડોક્ટરોને બિરદાવ્યા હતા. સાંસદએ કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના વિકાસમાં જે કેડી કંડારી હતી તેના પર વધુ સફળતા સાથે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની સંવેદનશીલ સરકાર આગળ વધી છે.

રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, ત્રીજી લહેર સામે લડવા સરકાર અગાઉથી જ સંસાધનો સાથે સંપૂર્ણ આયોજનબદ્ધ તૈયાર છે ત્યારે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની દૂરદર્શિતાથી આ સંપૂર્ણ આયોજન સમયબધ્ધ થયું છે અને આજે ગુજરાત સમય આવ્યે આ ત્રીજી લહેર સામે લડવા સુસજ્જ છે. વિકાસ સાથે સંવેદનશીલતાનો સુભગ સમન્વય ગુજરાત સરકારમાં જોવા મળ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર જી.જી હોસ્પિટલ ખાતે ડી.આર.ડી.ઓ દ્વારા 1000 એલપીએમ અને ન્યારા એનર્જી દ્વારા 280 એલપીએમ ઓક્સિજન પ્લાન્ટનિર્મિત કરવામાં સહયોગ આપવામાં આવ્યો છે. આ પ્લાન્ટ દ્વારા ચોવીસ કલાક વાતાવરણમાંથી ઓક્સિજન લઈ અને મેડિકલ ઓક્સિજનમાં રૂપાંતરિત કરી તેનો ઉપયોગ કરી શકાશે.

કાર્યક્રમમાં મુખ્યમંત્રીના રાજ્યકક્ષાના હિંમતનગર ખાતેના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. જ્યાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના હસ્તે રાજ્યના 70 જેટલા ડોક્ટરોને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં જામનગરના એમ.પી.શાહ મેડિકલ કોલેજના અધિક ડીન અને કોરોનાના નોડલ ડો. એસ.એસ. ચેટરજીને નાયબ મુખ્યમંત્રીના હસ્તે શાલ ઓઢાડી અને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ તકે ડેપ્યુટી મેયર તપનભાઇ પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષ કટારીયા, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, કલેકટર સૌરભ પારઘી, મ્યુનિસિપલ કમિશનર વિજય ખરાડી, ડેપ્યુટી કમિશનર વસ્તાણી, જી.જી. હોસ્પિટલના અધિક્ષક દિપક તિવારી, એમ. પી. શાહ મેડિકલ કોલેજના ડીન ડો. નંદીની દેસાઈ, નાયબ અધિક્ષક ડો. વસાવડા, નાયરા ઇન્ડસ્ટ્રીઝના પાણીકર, એમ.ઓ.એચ ઋજુતા જોશી, ડો. હેમાંગ આચાર્ય, ડો.ફિરોજ ઘાંચી, ડો. સુધીર મહેતા, ડો. વિજય પોપટ, ડો. અમરીશ ચાંદ્રા, ડો. શ્વેતા તથા રેસિડન્ટ ડોક્ટરો અને હૉસ્પિટલના સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular