દેશભરમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકાઓ વચ્ચે તહેવારોની મોસમ શરૂ થઈ રહી હોવાથી કોરોનાનો પ્રસાર અટકાવવા માટે કેન્દ્ર સરકારે ગુરુવારે બધા જ રાજ્યોને ચેતવણી આપી છે. કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે, તહેવારોમાં બજારોમાં, જાહેર સ્થળો પર લોકોની ભીડ એકત્ર થાય તે પહેલાં જ રાજ્ય સરકારોએ નિયંત્રણો અથવા લોકડાઉન જેવા પ્રતિબંધો લાદવા જોઈએ. દરમિયાન દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 43 હજાર કેસ નોંધાયા હતા અને વધુ 533નાં મોત નીપજ્યાં હતા. આ સાથે કોરોનાના કુલ કેસ 3.18 કરોડ જ્યારે મૃત્યુઆંક 4.11 લાખને પાર થઈ ગયા છે.
દેશના અનેક રાજ્યોમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે તહેવારોની આગામી મોસમને જોતાં કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે ગુરુવારે બધા જ રાજ્યોને સાવધાની રાખવા સલાહ આપી છે. તેમણે રાજ્ય સરકારોને સ્થાનિક સ્તરે પ્રતિબંધો મૂકવા અથવા નિયંત્રણો લાદવા વિચાર કરવા પણ સૂચન કર્યું છે. તેમણે કહ્યું કે, દેશમાં તહેવારોની મોસમ શરૂ થઈ રહી છે ત્યારે લોકોને ટોળે વળતા અટકાવવા માટે રાજ્યોએ પગલાં લેવા જોઈએ. કેટલાક રાજ્યોમાં હજુ પણ કોરોનાના કેસ વધી રહ્યા છે.
આઈસીએમઆર અને એનસીડીસીનો ઉલ્લેખ કરતાં જણાવાયું છે કે બંને એજન્સીઓએ તહેવારોમાં લોકોના ટોળે વળવાની આશંકા વ્યક્ત કરી છે, જે સુપર સ્પ્રેડર ઘટનાઓ બની શકે છે. વધુમાં જણાવાયું છે કે આ આદેશ હેઠળ આગામી તહેવારો મોહરમ (19 ઓગસ્ટ), ઓણમ (21 ઓગસ્ટ), જન્માષ્ટમી (30 ઓગસ્ટ), ગણેશ ચતૂર્થી (10 સપ્ટેમ્બર), નવરાત્રી (5થી 15 ઑક્ટોબર) વગેરે તહેવારોમાં લોકોના ટોળે વળવાની આશંકા છે. તેથી રાજ્યોને સ્થાનિક પ્રતિબંધો લાગુ કરવા સલાહ આપવામાં આવે છે.
દરમિયાન દેશમાં ગુરુવારે કોરોનાના નવા 42,982 કેસ સામે આવ્યા હતા. આ સાથે કોરોનાના કુલ કેસ 3,18,12,114 થયા છે જ્યારે એક્ટિવ કેસ વધીને 4,11,076 થયા છે. ગુરુવારે વધુ 533 કોરોના પીડિતોનાં મોત નીપજવાની સાથે કુલ મૃત્યુઆંક 4,26 ,290 થયો છે. કોરોનાના કુલ કેસમાં એક્ટિવ કેસનું પ્રમાણ 1.29 ટકા જેટલું છે. છેલ્લા 24 કલાકમાં એક્ટિવ કેસમાં 723નો વધારો થયો છે. કોરોનાનો રિકવરી રેટ 97.37 ટકા છે જ્યારે દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3,09,74,748 દર્દીઓ સાજા થયા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોના રસીકરણ અભિયાન હેઠળ કુલ 48.93 કરોડ ડોઝ અપાયા છે.
દરમિયાન સીરમ ઈન્સ્ટિટયૂટના સીઈઓ અને માલિક અદાર પૂનાવાલાએ જણાવ્યું હતું કે, તેમણે અભ્યાસ માટે વિદેશ જતા વિદ્યાર્થીઓને સહાય માટે રૂ. 10 કરોડ બાજુ પર મૂકી રાખ્યા છે. તેમણે વિદ્યાર્થીઓને નાણાકીય સહાય માટે અરજી કરવાની એક લિંક પણ શેર કરી હતી. જુલાઈના પ્રારંભમાં પૂનાવાલાએ તેમના દેશોમાં પ્રવેશ માટે સ્વીકૃત રસી તરીકે કોવિશિલ્ડને મંજૂરી આપવા બદલ 16 યુરોપીયન દેશોની પ્રશંસા કરી હતી.