કોરોનાની ત્રીજી લહેર સંભવિત રીતે ઓગસ્ટ અંત સુધીમાં ત્રાટકે તેવી સંભાવના તજજ્ઞો વ્યક્ત કરી રહ્યા છે ત્યારે રાજય અને કેન્દ્ર સરકાર પણ પોતાની રીતે પહોંચી વળવા તૈયાર હોવાનું જણાવે છે. જોકે સાચી સ્થિતિ શું છે તે તો આવનારો સમય જ કહેશે.મોરબી જિલ્લા આરોગ્ય વિભાગના મત અનુસાર જિલ્લામાં વધુને વધુ ઓક્સિજન બેડ,વેન્ટિલેટર, દવાઓ સહિતના સાધનો પુરા પાડવાની તમામ તૈયારી હોવાનું જણાવાયું છે.
મોરબી સિવિલ હોસ્પિટલમાં કોરોના મહામારીને ધ્યાને લઇ કુલ 190 ઓક્સિજન બેડ ઉપલબ્ધ કરવમાં આવ્યા છે, જેમાંથી પ્રથમ માળ બાળકો માટે અનામત રાખવામાં આવશે જેમાં 90થી 92 બેડ રાખવામાં આવશે.જ્યારે 100 બેડમાં વેન્ટિલેટર અને કોરોના પોઝિટિવ એડલ્ટ દર્દીઓ રાખશે. સિવિલમાં હાલ સાધનોની બાબતમાં તમામ તૈયારી થઈ ચૂકી છે પરંતુ સૌથી મહત્વનો પ્રશ્ર્ન તબીબની ઘટ્ટ રહેશે, કારણ જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં માત્ર 1 જ પીડિયાટ્રિક તબીબ હાલ ફરજ પર હાજર છે.
જ્યારે જિલ્લાભરમાં ખાનગી પ્રેકટિસ કરતા તમામ તબીબ મળી કુલ 25 તબીબ જ ઉપલબ્ધ છે.તજજ્ઞોના જણાવ્યા મુજબ જો બાળકોમાં કોરોનાના કેસ વધશે અથવા ગંભીર સ્થિતિ બનશે તો તબીબ કેવી રીતે વ્યવસ્થા કરશે તે એક સવાલ છે.જો કે તંત્ર દ્વારા સરકારી હોસ્પિટલમાં, સીએચસી,પીએચસી, દ્વારા 970 બેડ જેટલા ઓક્સિજન બેડ, વેન્ટિલેટર દવાઓ વગેરે સાધનો ઉપલબ્ધ છે. પણ જિલ્લામાં પીડિયાટ્રિક તબીબની સંખ્યા ખૂબ ઓછી છે.સરકાર દ્વારા પીડિયાટ્રિક તબીબની જગ્યાઓ ભરશે નહી તો કોરોનાંની ત્રીજી લહેર વખતે તબીબ ક્યાંથી લાવશે.તે એક સવાલ છે.
કોરોનાની બીજી લહેર વખતે શરૂઆતમાં કેસ વધતા લોકો ટેસ્ટ કરાવવા મોટી સંખ્યા હોસ્પિટલમાં પીએચસી સીએચસીમાં દોડતા હતા જેના કારણે લાંબી લાઈનો લાગતી હતી. જો કે આ વખતે ટેસ્ટિંગ કીટનો જથ્થો વધુ રાખવાનું આયોજન કરાયું છે જેના ભાગરૂપે હાલ 19,000 રેપીડ એન્ટીજન ટેસ્ટ કિટનો સ્ટોક તૈયાર રાખવામાં આવ્યો છે.તેમજ હાલ લોકોના આરટીપીસીઆર ટેસ્ટ જ કરવામાં આવતા હોય જેથી તેનો પણ જરૂરીયાત મુજબ ઉપલબ્ધ છે. જે દર્દીનું ઓક્સિજન લેવલ ઘટે અને ઓક્સિજનની જરૂર પડે તો 150 ઓક્સિજન ક્ધસ્ટ્રેટર ઉપલબ્ધ કર્યા છે જેનો ઉપયોગ કરી શકાશે.
મોરબી જિલ્લામાં ઇમરજન્સી સમયે હોસ્પિટલમાં ઓક્સિજન ન મળે તો થોડા સમય પૂરતા ઓક્સિજનની જરૂરિયાત પૂરી કરવા હવામાંથી ઓક્સિજન જનરેટ કરી શકે તેવા 7 ઓક્સિજન જનરેશન પ્લાન્ટ ઉભા કરવામાં આવ્યા છે. જેમાં મોરબી સિવિલમાં 2 ,વાંકાનેર 2,હળવદ સિવિલમાં 1,ટંકારા અને માળીયા સીએચસીમાં કામગીરી ચાલી રહી છે.
આમ કુલ તમામ તાલુકામાં લાગેલા 7 ઓક્સિજન પ્લાન્ટથી 24 કલાક દરમિયાન કુલ 3 મેટ્રિક ટન 24 કલાકમાં ઉતપન્ન કરી શકાશે. આ સિવાય મોરબી સિવિલ હોસ્પિટલમાં 6000 લિટરનો ઓક્સિજન ભરાઈ શકે તેટલી બે ટાંકીઓ પણ ફિટ કરવામાં આવશે જેમાં 10,000 લીટર ઓક્સિજન સમાઈ શકશે.
મોરબી સિવિલમાં 190 બેડ અને 55 વેન્ટિલેટર તૈયાર કરવામા આવ્યા છે. 190 બેડમાં 92 બેડ પીડિયાટ્રિક રહેશે. જેમાં 10 બાળકોની જરૂરિયાત મુજબના વેન્ટિલેટર રહેશે. તો બાકીના 98 જેટલા બેડ એડલ્ટ માટે રાખશે જેમાં 45 વેન્ટિલેટર કાર્યરત રાખશે આ સિવાય અલગ અલગ ખાનગી હોસ્પિટલમાં પણ કુલ 45 વેન્ટીલેટર રહેશે જેમાંથી એડલ્ટ માટેના 29, પીડિયાટ્રિક માટેના 16 હશે.
જામનગર પર કોરોનાનું સંભવિત ભારણ ઘટાડવા, મોરબીમાં સુંદર આયોજન
જોકે, મોરબીમાં તબીબોની વ્યવસ્થા કેવી રીતે થઇ શકશે? તે મુદ્દે તંત્ર ગંભીર ચિંતામાં