મેડિકલ ક્ષેત્રે પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ માટે કેન્દ્ર સરકારે રેગ્યુલેશન ઘડયા છે, આ કોર્સમાં ડિપ્લોમા-ડિગ્રી બંને કોર્સમાં 50 ટકા કેન્દ્ર અને 50 ટકા રાજ્યનો ક્વોટા હોય છે, જોકે નવા નિયમો મુજબ કેન્દ્ર અને રાજ્ય એમ બંને ક્વોટામાં કાઉન્સેલિંગ કરવાની સત્તા કેન્દ્રના ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ ર્સિવસીસ એટલે કે કેન્દ્ર સરકાર હસ્તક રહેશે, અત્યાર સુધી એવું બનતું હતું કે, ગુજરાતનો ક્વોટા હોય તો ગુજરાતના વિદ્યાર્થીને ગુજરાતમાં જ પ્રવેશ મળતો હતો, અલબત્ત, હવેથી ગુજરાતના વિદ્યાર્થીને બિહાર-જમ્મુ કાશ્મીર સહિતના દેશના ગમે તે રાજ્યોમાં અભ્યાસ કરવા માટે લાંબા થવું પડશે, આ સ્થિતિમાં જો ગુજરાતનો વિદ્યાર્થી રાજ્ય બહાર અભ્યાસ માટે ન જાય તો બીજા વિદ્યાર્થીને પ્રવેશ મળશે, સામાન્ય રીતે ગુજરાતના વિદ્યાર્થીઓ અને ખાસ કરીને વિદ્યાર્થીનીઓ કેટલાક રાજ્યોને બાદ કરતાં ગુજરાત બહાર ભણવા જવાનું પસંદ કરતા નથી, કારણ કે અમુક રાજ્યમાં મહિલાઓની સલામતીની સ્થિતિ અત્યંત ચિંતાજનક છે, પરંતુ આ નવા નિયમોથી ગુજરાતના વિદ્યાર્થીઓ પીજી કોર્સ કરવો હોય તો અન્ય રાજ્યોમાં જવા મજબૂર બનશે. આમ ગુજરાતના યુવાનોને ભારોભાર અન્યાય થશે, આ રેગ્યુલેશનના કારણે ગુજરાતના વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.
તબીબી ક્ષેત્રે પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ માટે કેન્દ્ર સરકારના રેગ્યુલેશનના કારણે ગુજરાતના વિદ્યાર્થીઓને અન્યાય થાય તેવી સ્થિતિ છે, જેના કારણે વાલીઓમાં ભારે કચવાટ ફેલાયો છે, ગુજરાતના વિદ્યાર્થીઓને મેડિકલના પોસ્ટ ગ્રેજ્યુએશન અભ્યાસથી વંચિત રહેવું પડે તેવી સ્થિતિ સર્જાશે, કારણ કે કોઈ રાજ્યમાં આતંકી હુમલા થતાં હોય કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળેલી હોય તો ત્યાં જઈને અભ્યાસ કરવાનું વિદ્યાર્થીઓ પસંદ ન કરે, અત્યાર સુધી સ્ટેટ ક્વોટમાં જે તે વિદ્યાર્થી ગુજરાતમાં જ રહીને ભણી શકતા હતા, જોકે નવા 2021ના રેગ્યુલેશનના કારણે વાલીઓમાં વિરોધ વંટોળ ઊભો થયો છે.
પોસ્ટ ગ્રેજ્યુએશનના કોર્સમાં અગાઉ એક પ્રોફેસર દીઠ ત્રણ વિદ્યાર્થીઓનો રેશિયો હતો, જોકે હવે તેમાં ઘટાડો કરાયો છે, હવે એક પ્રોફેસર દીઠ એક વિદ્યાર્થીનો રેશિયો કરાયો છે, જેના કારણે મેડિકલ ક્ષેત્રે સીટો ઘટશે, આ બાબતને લઇને પણ વિદ્યાર્થીઓ-વાલીઓમાં કચવાટ ફેલાયો છે.