જામજોધપુર તાલુકાના ભરડકી ગામે ખીલા ખોડવા બાબતે યુવાન અને તેના પરિવાર ઉપર ચાર જેટલા શખ્સોએ કોસ અને તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરતા યુવાનનું મોત નિપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો.
જામનગર જિલ્લામાં હત્યાના વધુ એક બનાવની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના નાની ભરડકી ગામમાં રહેતા જેન્તીભાઇ સાંગાણી નામના યુવાનને તેની બાજુમાં રહેતા પાડોશીઓ સાથે દિવાલમાં ખીલા ખોડવા મામલે બોલાચાલી થઇ હતી. આ બોલાચાલી બાદ ચાર પાડોશી શખ્સોએ જેન્તીભાઇ ઉપર કોસ અને તીક્ષ્ણ હથીયાર વડે જીવલેણ હુમલો કરતા જેન્તીભાઇ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. યુવાન ઉપર હુમલો થતાં તેની માતા લાભુબેન અને ભાઇ ગોવિંદ દોડી આવ્યા હતા. જ્યાં હુમલાખોરેએ વૃધ્ધા અને તેના પુત્ર ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. ત્યારબાદ હુમલામાં ઘવાયેલા માતા અને બે પુત્રોને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા જેન્તીભાઇ ધરમશીભાઇ સાંગાણી (ઉ.વ.45) નામના યુવાનનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યું હતું. જેના આધારે હુમલાનો બનાવ હત્યામાં પલટાયો હતો.
તેમજ હુમલામાં ઘવાયેલ લાભુબેન ધરમશીભાઇ સાંગાણી (ઉ.વ.75) અને ગોવિંદભાઇ ધરમશીભાઇ સાંગાણી (ઉ.વ.48) નામના માતા-પુત્રને સારવાર આપવામાં આવી હતી. બનાવની જાણ થતાં પોલીસે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.