ભારતમાં મંત્રીઓ, વિપક્ષના નેતાઓ, પત્રકારો, કાયદાકીય બાબતો સાથે સંકળાયેલા અગ્રણીઓ, બિઝનેસમેન, સરકારી અધિકારીઓ, વૈજ્ઞાનિકો, એક્ટિવિસ્ટ સહિત આશરે 300 લોકોની જાસૂસી કરવામાં આવી છે. ધ વાયરના એક અહેવાલ પ્રમાણે, આ પૈકી આશરે 40 પત્રકારનો સમાવેશ થાય છે. તેમની પર ફોન મારફત ચાંપતી નજર રાખવામાં આવી રહી હતી. આ માટે ઈઝરાયેલના પેગાસસ સ્પાયવેરનો ઉપયોગ કરવામાં આવતો હતો. પેગાસસ સ્પાયવેર એક એવો કમ્પ્યુટર પ્રોગ્રામ છે, જેના મારફત કોઈપણ ફોનને હેક કરી એના કેમેરા, માઈક, કન્ટેન્ટ સહિત તમામ પ્રકારની માહિતી મેળવી શકાય છે. આ સોફ્ટવેરથી ફોન પર કરવામાં આવેલી વાતચીતને પણ જાણી શકાય છે.
ઈઝરાયેલના જાસૂસી નેટવર્કની પરતો હવે ખૂલવા લાગી છે. દુનિયાના દસ દેશના મીડિયા હાઉસ અને અનેક પત્રકારોએ સંયુક્ત રીતે પર્દાફાશ કર્યો છે કે ઈઝરાયેલની કંપની એનએસઓના સ્પાયવેર પેગાસસ થકી દુનિયાભરની સરકારો પત્રકારો, નેતાઓ, જજો, વકીલો, બિઝનેસમેન અને સામાજિક કાર્યકરોની સતત જાસૂસી કરાવે છે. ફ્રાંસની સંસ્થા ‘ફોરબિડન સ્ટોરીઝ’ અને ‘એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ’ દ્વારા સંયુક્ત રીતે ખુલાસો કર્યો છે કે ઈઝરાયેલી જાસૂસી નેટવર્કનો ઉપયોગ ભારતમાં પણ કરાયો હતો.
‘વોશિંગ્ટન પોસ્ટ’ અને ‘ધ ગાર્ડિયન’ના મતે અત્યારસુધી ભારતના 40 પત્રકાર, 3 અગ્રણી વિપક્ષી નેતા, 2 મંત્રી અને એક જજની જાસૂસી થઈ હોવાની પુષ્ટિ થઈ ચૂકી છે. જોકે આ લોકોનાં નામ હજુ જાહેર નથી કરાયાં, પરંતુ કેટલાક અહેવાલો પ્રમાણે, ‘હિંદુસ્તાન ટાઈમ્સ’, ‘ઈન્ડિયા ટુડે’, ‘નેટવર્ક18’, ‘હિંદુ’ અને ‘ઈન્ડિયન એક્સપ્રેસ’ જેવા મીડિયા હાઉસના અગ્રણી પત્રકારોની જાસૂસી થઈ છે. એમાં ‘હિંદુસ્તાન ટાઈમ્સ’ના શિશિર ગુપ્તા અને ‘ધ વાયર’ના સિદ્ધાર્થ વરદરાજન પણ સામેલ છે.
‘ફોરબિડન સ્ટોરીઝ’ અને ‘એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ’ના મતે, ભારતમાં કેટલાક અગ્રણી એડિટરો, પત્રકારોની જાસૂસી કરાઈ છે. તેમની જાસૂસી 2019ની ચૂટંણી પહેલાં શરૂ કરાઈ હતી. તેમાં મોટા ભાગના પત્રકારો હતા, જે ચૂંટણી પહેલાં સતત ઈન્વેસ્ટિગેટિવ જર્નલિઝમ કરતા હતા. આ પત્રકારોનાં નામ ટૂંક સમયમાં જાહેર કરાશે. એ વાત સાબિત થઈ ચૂકી છે કે આ લોકોના મોબાઈલમાં સ્પાયવેર મળ્યા છે. તેના થકી તેમની સાથે સંકળાયેલી તમામ માહિતી લીક થતી હતી.
બ્રિટિશ મીડિયા જૂથ ધ ગાર્ડિયને જણાવ્યું હતું કે જાસૂસીવાળી યાદીમાં જેમના મોબાઇલ નંબર સામેલ છે તે લોકોના નામ ટૂંક સમયમાં જાહેર કરશે. એમાં વિવિધ દેશોના ઉદ્યોગપતિ, ધાર્મિક નેતા, શિક્ષણવિદ, એનજીઓ કર્મી, વર્કર યુનિયન્સ તથા સરકારી કર્મચારી સામેલ છે. કેટલાક દેશોના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન પણ આ યાદીમાં સામેલ છે. એક યાદીમાં એક દેશના શાસકના નજીકના સંબંધી પણ છે. આ શાસકે જ ઇન્ટેલિજન્સ એજન્સીઓને પોતાના સંબંધીઓ પર નજર રાખવા આદેશ કર્યાની આશંકા છે.
પેગાસસ પ્રોજેક્ટ સાથે જોડાયેલા મીડિયા ગ્રુપ્સે રવિવારથી ખુલાસા શરૂ કર્યા. સૌપ્રથમ એમ જણાવ્યું હતું કે યાદીમાં વિશ્વભરના 180થી વધુ પત્રકાર છે. એમાં ફાઇનાન્શિયલ ટાઇમ્સ, સીએનએન, ન્યૂયોર્ક ટાઇમ્સ, ફ્રાન્સ 24, ધ ઇકોનોમિસ્ટ, એપી અને રોઇટર્સના રિપોર્ટર, તંત્રી તથા એક્ઝિક્યુટિવ્સ સામેલ છે. આ પત્રકારોની યાદીમાં મેક્સિકોના ફ્રીલાન્સ રિપોર્ટર સેસિલિયો પિનેડા બિર્ટોનું નામ પણ સામેલ છે, જેની હત્યા થઇ ચૂકી છે.
પેગાસસ સોફ્ટવેર ઇઝરાયેલની કંપની એનએસઓ જ વેચે છે. એનો ઉપયોગ જાસૂસી માટે કરાય છે. આ ખુલાસા અંગે કંપનીએ કહ્યું હતું કે આ યાદી તેના સોફ્ટવેરના ફંક્શનિંગ સાથે જોડાયેલી નથી. કંપનીએ એમ પણ જણાવ્યું હતું કે લીક થયેલા ડેટામાં એ ફોન નંબર નથી કે જે વિશ્વની જુદી-જુદી સરકારોએ પેગાસસ દ્વારા ટાર્ગેટ કરાવ્યા હતા.
ધ વાયરના અહેવાલ જાહેર થતાં જ કેન્દ્ર સરકારે આ અંગે જવાબ આપતાં કહ્યું હતું કે સરકારે દેશમાં કોઈનો પણ ફોન ગેરકાયદે રીતે હેક કર્યો નથી. આઇટી મિનિસ્ટ્રી તરફથી જાહેર એક પત્રમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત બાબતો અંગે પણ કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરીને જ કોઈનો ફોન ટેપ કરવા માટે મંજૂરી આપી શકાય છે.
ધ વાયર સહિત વિશ્વભરની 16 મીડિયા સંસ્થાના અહેવાલ પ્રમાણે પેગાસસ સ્પાયવેર મારફત ઈન્ડિયન એક્સપ્રેસ, હિન્દુસ્તાન ટાઈમ્સ, નેટવર્ક18, ઈન્ડિયા ટુડે, ધ હિંદુ, ધ વાયર અને ધ પાયોનિયર જેવી રાષ્ટ્રીય મીડિયા સંસ્થાઓમાં કામ કરી રહેલા પત્રકારો ટાર્ગેટમાં હતા. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2017થી 2019 વચ્ચે એક ભારતીય એજન્સીએ 40થી વધારે ભારતીય પત્રકારો પર ચાંપતી નજર રાખી હતી.
સાઈબર સિક્યોરિટી રિસર્ચ ગ્રુપ સિટિઝન લેબના અહેવાલ પ્રમાણે, આ સાથે એવી પણ સંભાવના છે કે કેડિરુએ મધ્ય-પૂર્વ અને એશિયાના દેશોના જાસૂસીના ઉપકરણનું વેચાણ કર્યું છે. સિટિઝન લેબે એવા લોકોની ઓળખ કરી છે કે જે કેડિરુના સોફ્ટવેરનો શિકાર થયા છે અને તેના આધારે માઈક્રોસોફ્ટે પોતાનો અહેવાલ તૈયાર કર્યો છે. સરકારોએ આ જાસૂસી ઉપકરણોનો ઉપયોગ સ્વતંત્ર રીતે જાસૂસી માટે કર્યો છે.
આ અહેવાલ એવા સમયે સામે આવ્યો છે કે જ્યારે સાયબર હથિયારોને લઈ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે જે અગાઉ કેટલાક દેશો સુધી મર્યાદિત હતી. હવે તે ખૂબ ઝડપથી વધી રહ્યું છે. અસહમતિ જાહેર કરનારા અને વિરોધીઓની આ પ્રકારની જાસૂસીથી ક્રિમિનલ હેકિંગનું જોખમ વધી જાય છે. તેમા વસુલાત માટે કરવામાં આવતા કેમ્પેનનો પણ સમાવેશ થાય છે. આ પ્રકારની પ્રવૃત્તિઓએ તાજેતરમાં ઓઈલ સપ્લાઈ અને મીટ પ્રોડક્શનમાં અવરોધ સર્જ્યો હતો.
આ પ્રકારના રેનસમવિયરને લઈ તાજેતરમાં જ અમેરિકાના રાષ્ટ્રપતિ જે બાઈડને રશિયાના રાષ્ટ્રપતિ વ્હાલિદિમિર પુતિનને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ પોતાના દેશમાં બેસીને ક્રિમિનલ ગ્રુપ્સની ઓળખ કરે છે અન્યથા પરિણામ ભોગવવું પડશે. જોકે, જાસૂસી ઉપકરણોની ઈન્ડસ્ટ્રીઝને લઈ અમેરિકા એટલું આક્રમક દેખાતુ નથી.
માઈક્રોસોફ્ટની ડિજિટલ સિક્યોરિટી યુનિટના જનરલ મેનેજર ક્રિશ્ચિયન ગુડવિને કહ્યું કે પ્રાઈવેટ સેક્ટરની કંપનીઓ સાયબર વેપન બનાવી રહ્યા છે અને તેમણે વેચાણ કરી રહ્યા છે, આ ગ્રાહકો, વ્યાપારીઓ અને દરેક પ્રકારના સરકાર માટે ખતરનાક છે.
રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે કેડિરુએ સરકારોને પોતાના ટૂલ્સનો ઉપયોગ કરવા માટે અને સરકારો તેના ઉપયોગ નાગરિકો અને દેશની સરહદોની બહાર રહી ટીકાકારોને ચૂપ કરવા માટે કરી રહી છે. આ ટૂલ્સનો ઉપયોગ ઈરાન, લેબેનોન, યમન, સ્પેન, બ્રિટન, તુર્કી, અરમેનિયા અને સિંગાપોરમાં કરવામાં આવ્યો.