જામનગર શહેર અને જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ મેઘરાજા વરસતા નથી. છેલ્લાં 24 કલાક દરમિયાન કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં દોઢ ઈંચ વરસાદ પડયો હતો. જ્યારે જામજોધપુરમાં વધુ અડધો ઈંચ અને જામનગર શહેરમાં માત્ર સામાન્ય ઝાપટાં પડયા હતાં. જામનગરના પટેલ કોલોની શેરી નં.9 માં સોમવારે રાત્રિના સમયે એક ગાયનું વીજશોકથી મોત નિપજ્યું હતું.
રાજ્યના હવામાન વિભાગ દ્વારા તા.11 થી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જો કે, આગાહી મુજબ હજુ મેઘરાજા મન મુકીને વરસતા નથી અને રાજ્યમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. 24 કલાક દરમિયાન જામનગરના કાલાવડ તાલુકાના મોટાવડાળા ગામમાં દોઢ ઈંચ વરસાદ પડયો હતો. જ્યારે જામજોધપુરમાં વધુ અડધો ઈંચ વરસાદ વરસ્યો છે. તેમજ જામનગર શહેરમાં વાદળિયા હવામાન વચ્ચે માત્ર ઝાપટાં જ પડયા હતાં. આ વરસાદી માહોલ વચ્ચે જામનગર શહેરના પટેલ કોલોની શેરી નં.9 ના છેડે આવેલા એક થાંભલામાં અડી જતાં ગાયનું વીજશોકથી મોત નિપજ્યું હતું.
જ્યારે જામવણથલી, જાલિયા દેવાણી, નવાગામમાં ઝાપટાંરૂપે અડધો-અડધો ઈંચ પાણી પડયું હતું અને પડાણા, ફલ્લા, ધુતારપુર, દરેડ, હડિયાણા, લતીપુર, જામવાડી, વાંસજાળિયા, ધુનડા, પરડવા, મોટા ખડબા અને ડબાસંગમાં સામાન્ય ઝાપટા પડયા છે. ઉપરાંત કાલાવડ અને ધ્રોલમાં પણ સોમવારે સાંજના સમયે સામાન્ય ઝાપટુ વરસ્યુ હતું.
મોટાવડાળામાં દોઢ ઈંચ વરસાદ
જામજોધપુરમાં અડધો, જામનગર શહેરમાં સામાન્ય ઝાપટાં : પટેલ કોલોનીમાં વીજશોકથી ગાયનું મોત