જામનગર મહાનગરપાલિકા દ્વારા ચાલુ નાણાંકીય વર્ષ 2021-22 અંતર્ગત એડવાન્સ વાર્ષિક મિલકતવેરા તથા વોટરચાર્જની રકમ ભરપાઇ કરનાર મિલકતધારકો માટે તા. 17-5-21થી તા. 30-6-21 સુધી રિબેટ યોજના એટલે કે, વેરા વળતર યોજના જાહેર કરવામાં આવી હતી. આ વેરા વળતર યોજનાનો લાભ મોટાભાગનાં શહેરીજનોએ લીધો છે. તેમ છતાં પણ આ વાર્ષિક વેરો ભરપાઇ કરવામાં બાકી રહેતા કરદાતાઓ માટે મહાનગરપાલિકાએ આ વેરા વળતર યોજનાની મુદ્તમાં વધુ એક માસનો એટલે કે, તા. 31-7-21 સુધી વધારો કરવામાં આવ્યા છે. જેથી શહેરીજનોને આ વેરા વળતર યોજનાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવે છે.
આ યોજના અંતર્ગત તા. 17-5-21 થી તા. 11-7-21 સુધીમાં 56,610 આસામીઓએ એડવાન્સ વેરા વળતર યોજનાનો લાભ મેળવેલ છે. જેમાં મિલકતવેરા પેટે રૂા. 19.31 કરોડ અને વોટરચાર્જ પેટે રૂા. 3.62 કરોડ પ્રાપ્ત થયેલ છે અને રૂા. 1.69 કરોડનું રિબેટ આપવામાં આવેલ છે. આ રિબેટ યોજના અન્વયે મિલકતવેરામાં 37,686 લાભાર્થીઓએ રૂા. 1.38 કરોડ તથા વોટરચાર્જમાં 18,924 લાભાર્થીઓએ રૂા. 30.64 લાખનું રિબેટ મેળવેલ છે.
ચાલુ નાણાંકીય વર્ષ 2021-22 અંતર્ગત તા. 1-4-21 થી તા. 11-7-21 સુધીમાં મિલકત વેરાની કુલ રૂા. 21.24 કરોડ તથા વોટરચાર્જમાં કુલ રૂા. 4.03 કરોડની વસુલાત થવા પામેલ છે.
તદ્ઉપરાંત ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન તા. 31-3-2006 સુધીની રેન્ટબેઇઝ પધ્ધતિ મુજબની બાકી રોકાતી મિલકતવેરા, વોટરચાર્જની રકમ ઉપર 100 ટકા વ્યાજ માફી તેમજ તા. 1-4-2006થી કરાપેટબેઇઝ પધ્ધતિ મુજબની બાકી રોકાતી મિલકતવેરા, વોટરચાર્જની રકમ ઉપર 50 ટકા વ્યાજ રાહત યોજના ચાલુ છે.
ચાલુ નાણાંકીય વર્ષ 2021-22 દરમિયાન વ્યવસાય વેરાની બાકી રોકાતી રકમ તા. 1-7-21 થી તા. 31-3-2022 સુધીમાં ભરપાઇ કરનાર તમામ વ્યવસાયકારો માટે 50 ટકા વ્યાજમાફી યોજના જાહેર કરેલ હોય તો આ વ્યાજમાફી યોજનાનો લભ લેવા આથી જાણ કરવામાં આવે છે.
વેરા મહાનગરપાલિકાના (1) મુખ્ય કેસ કલેકશન વિભાગ, (2) ત્રણેય (સરૂ સેકશન, રણજીતનગર તથા ગુલાબનગર) સીટી સિવિક સેન્ટરો, (3) જામનગર શહેરમાં આવેલી એચડીએફસી બેંક, નવાનગર કો-ઓપ. બેંક, આઇડીબીઆઇ બેંક તથા કોટક મહિન્દ્રા બેંકની શહેરની તમામ બ્રાંચો તથા (4) મોબાઇલ ટેકસ કલેકશન વેનમાં સ્વીકારવામાં આવે છે. આ ઉપરાંત ઘરબેઠા ઓનલાઇન વેરા ભરવાની સુવિધા પણ ઉપલબ્ધ હોય, આપને વેરો www.mcjamnagar.com પર લોગીન કરી ઘર બેઠા વેરો ભરો અને મેળવો 2 ટકા (રૂા. 250 મહત્તમ)નું વધારાનું વળતર.
આપનો વેરો સમયસર ભરપાઇ કરી વ્યાજના ભારણથી બચવા અને શહેરનાં વિકાસકાર્યોમાં સહભાગી થવા અનુરોધ કરવામાં આવે છે.
એડવાન્સ વેરા વળતર યોજનાનો 56000થી વધુ લોકોએ લાભ લીધો
મિલકતવેરા પેટે 19.31 કરોડ તથા વળતર ચાર્જ પેટે 3.62 કરોડની આવક જામ્યુકોને થઇ : 1.69 કરોડનું રિબેટ અપાયું