પેટ્રોલ, ડિઝલ અને ગેસ પર લગાવવામાં આવેલી તોતીંગ એક્સાઇઝને કારણે સરકારને મબલક કમાણી થઇ રહી છે. સરકારે ખુદ એનો સ્વીકાર કર્યો છે. પાછલા વર્ષે કોરોના મહામારી પછી પેટ્રોલની એક્સાઇઝમાં રુ. 10 અને ડિઝલની એક્સાઇઝમાં રુ. 13નો વધારો થયો છે. આમ સરકારની એક્સાઇઝ બન્ને ઇંધણો પર અત્યારે રુ.32.98 અને રુ. 31.83 જેટલી છે. લોકસભાના પ્રશ્ર્નકાળ દરમિયાન માર્ચ મહિનામાં પ્રધાન થીરુમાવાલવન થોલ દ્વારા ફાયનાન્સ મંત્રાલયને પૂછવામાં આવેલા પ્રશ્ર્નનો ઉત્તર એવો આવ્યો હતો કે, બજેટમાં આવકના અંદાજ સામે પેટ્રોલ, ડિઝલ અને ગેસની એક્સાઇઝથી એપ્રિલ 2020થી જાન્યુઆરી 2021 સુધીના 10 માસમાં જ 12 ટકા આવક થઇ છે. ત્રણ મહિનાની આવક ઉમેરવામાં આવે તો ટકાવારી હજુ ઉંચે જશે. એ જોતા નરેન્દ્ર મોદીના શાસનના આરંભના 2014ના વર્ષથી અત્યાર સુધીમાં આ વર્ષે સૌથી વધારે આવક મળી છે.
પ્રજા પેટ્રોલ, ડિઝલ અને ગેસ પરની એક્સાઇઝ, વેટ અને સેસને કારણે મોંઘવારીમાં પીસાઇ રહી છે ત્યારે સરકારી કંપનીઓ સતત ભાવવધારો કરી રહી છે. સરકાર પોતાની આવકમાં કોઇ ઘટાડો કરવા માગતી ન હોય ઇંધણોના ભાવ મુદ્દે કોઇ રાહતના સમાચાર આપતી નથી. સરકાર પાસે આવકનો સૌથી સરળ સ્ત્રોત પેટ્રોલ-ડિઝલનો બની ગયો છે.
સરકારના આંકડાઓ પ્રમાણે 2013-14માં સરકારને પેટ્રોલ, ડિઝલ અને નેચરલ ગેસની એક્સાઇઝ પેટે રુ. 53,090 કરોડની આવક થઇ હતી. આ વર્ષે 2,95,401 કરોડ ફક્ત જાન્યુઆરી સુધીમાં પ્રાપ્ત થઇ ગયા હતા. પાછલા આઠ વર્ષમાં આવક સૌથી ઉંચી છે. અગાઉની સરકારોમાં પણ આટલી તોતીંગ આવક થઇ નથી.
કેન્દ્રીય અંદાજપત્રમાં 2013-14માં રુ. 12,31870 કરોડની આવકનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતુ. જ્યારે 2020-21ના બજેટમાં રુ. 24,23,020 કરોડનું લક્ષ્ય રાખવામાં આવ્યુ હતુ. ઇંધણોએ એમાંથી જોરદાર કમાણી કરાવી આપી છે. 2013-14માં 4.3 ટકા આવક ઇંધણોની એક્સાઇઝથી હતી પણ તે વર્ષે 12.2 ટકા જેટલી થઇ ગઇ છે.
ઇંધણોની એક્સાઇઝ ખૂબ ઉંચી છે એટલે સરકાર માટે આ સરળ રસ્તો બની ગયો છે. પેટ્રોલમાંથી સરકારને રુ. 89,575 કરોડની આવક એપ્રિલ 2020થી જાન્યુઆરી 2021 સુધીમાં થઇ છે. જે આઠ વર્ષની ટોચ પર છે. સરકારની આવક સતત વધી છે. 2013-14માં રુ.23,4040 કરોડ હતી, એ પછી 2014-15માં રુ. 29,279 કરોડ, 2015-16માં રુ. 52,297 કરોડ, 2016-17માં રુ.67,182 કરોડ, 2017-18માં રુ. 66,970 કરોડ, 2018-19માં રુ.52,779 કરોડ અને છેલ્લે 2019-20માં રુ. 78,230 કરોડની આવક થઇ હતી.
ડિઝલની આવક તો પાછલા વર્ષની તુલનામાં આ વર્ષે બમણી થવા જઇ રહી છે. સરકારે ડિઝલ કરતા પેટ્રોલની એક્સાઇઝ વધુ ઉછાળી છે એટલે 2020-21ના જાન્યુઆરી સુધીમાં રુ. 2,04,906 કરોડની આવક કરી લીધી છે. પાછલા વર્ષમાં તે રુ.1,23,166 કરોડ હતી.
દેશભરમાં ઈંઘણની કિંમતો ઉપર મોંઘવારીની માર ચાલી રહી છે. તેલ કંપનીઓએ ફરી એક વખત પેટ્રોલની કિંમતમાં વધારો કર્યો છે અને આ સાથે જ પેટ્રોલની કિંમત ચરમ ઉપર પહોંચી છે. બીજી તરફ ડીઝલની કિંમતમાં અંદાજીત ત્રણ મહિના બાદ ઘટાડો નોંધાયો છે. ઈંઘણની કિંમતમાં સતત વધારા વચ્ચે કેન્દ્રીય પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે એલએનજી, સીએનજી અને ઈથેનોલ જેવા વૈકલ્પિક બળતણના કારણે પેટ્રોલની વધતી કિંમતોથી લોકોને રાહત મળશે.
ઓઈલ કંપનીઓએ અઠવાડિયાના પહેલા દિવસે એટલે કે 12મી જુલાઈના પેટ્રોલની કિંમતમાં 28 પૈસાનો વધારો કર્યો છે. જ્યારે ડીઝલ 16 પૈસા સસ્તું થયું છે. આ અગાઉ 15 એપ્રિલના રોજ ડીઝલની કિંમતમાં 14 પૈસાનો કાપ મૂકવામાં આવ્યો હતો. આ સાથે જ દિલ્હીની બજારમાં પેટ્રોલ 101.19 રૂપિયા પ્રતિલિટર પહોંચી ગયું છે. જ્યારે ડીઝલની કિંમત ઘટીને 89.72 રૂપિયા પ્રતિલિટર થઈ છે. બીજી તરફ નાગપુરમાં એલએનજી ફિલિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન કરતા કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે, એલએનજી, સીએનજી અને ઈથેનોલ જેવા વૈકલ્પિક ઈંધણના ઉપયોગથી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો આવશે.ઈથેનોલનો ઈંઘણમાં ઉપયોગ કરવાથી પેટ્રોલની સરખામણીએ પ્રતિ લિટર 20 રૂપિયા બચી શકે છે.
પ્રજા મોંઘવારીમાં પિસાય છે, સરકાર વેરાઆવકથી ખુશખુશાલ!
ઇંધણો પરના ટેકસથી સરકારની તિજોરી ફાટફાટ