Tuesday, December 24, 2024
Homeબિઝનેસઇન્કમ ટેક્સના નવા પોર્ટલમાં કામગીરી સરળ ના હોવાની ફરિયાદો ઉઠી

ઇન્કમ ટેક્સના નવા પોર્ટલમાં કામગીરી સરળ ના હોવાની ફરિયાદો ઉઠી

- Advertisement -

ઇન્કમ ટેક્સનું નવું પોર્ટલ 07 જૂન 2021ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ પોર્ટલ શરૂ થયે એક મહિનાનો સમય વીતી ગયો હોવા છતાં તેના ઉપર કામગીરી સરળ રીતે થઈ ના રહી હોવાની ફરિયાદો વ્યાપક પ્રમાણમા ઉઠી રહી છે. સામાન્ય રીતે જુલાઇ મહિનામાં ઓડિટ સિવાયના કરદાતાઓ માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની મુદત રહેતી હોય છે અને ખૂબ મોટા પ્રમાણમા ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવામાં આવતા હોય છે. પરંતુ આ જુલાઇમાં ગત વર્ષની સરખામણીએ ખૂબ ઓછા પ્રમાણમા ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવામાં આવ્યા છે તેવા અહેવાલો મળી રહ્યા છે. જો કે ઓડિટ સિવાયના કરદાતાઑ માટે અગાઉ જ રિટર્ન ભરવાની મુદતમાં કોરોનાના કારણે વધારો કરી આપવામાં આવ્યો છે.

- Advertisement -

સરળતાના ઉદેશ સાથે શરૂ કરવામાં આવેલ ઇન્કમ ટેક્સના આ નવા પોર્ટલે હાલ તો કરદાતાઓના અને ખાસ કરીને ટેક્સ પ્રોફેશનલ્સના હાલ બે-હાલ કરી મૂક્યા છે. અમુક ટેક્સ પ્રોફેશનલ્સતો એમ માને છે કે આ નવું ઇન્કમ ટેક્સ પોર્ટલ તેમને જી.એસ.ટી. પોર્ટલ જ્યારે જુલાઇ 2017 માં લોન્ચ થયું ત્યારે ટેક્સ પ્રોફેશનલ્સએ ભોગવેલ હાલાકીની યાદ તાજી કરી આપી છે. એક મહિના પછી પણ પોર્ટલ ઉપર કામ કરવું ખૂબ અઘરું સાબિત થઈ રહ્યું છે. આ બાબતે વાત કરતાં જેતપુરના જાણીતા ટેક્સ એડવોકેટ લલિત ગણાત્રા જણાવે છે કે ” છેલ્લા 13 વર્ષથી ખુબ સરળતા પુર્વક ચાલતું ઈન્કમટેક્ષના પોર્ટલને અન્ય એક ટેક્ષેશનને લગતા પોર્ટલ બનાવામાં નીષ્ફળ ગયેલ Infosys કંપનીને 4200 કરોડ ઉપરનો કોન્ટ્રાક આપીને નવું બનાવ્યું જે ગત 07 જુન થી ચાલુ થયું પણ સરળતાથી એક પણ દીવસ ચાલ્યુ નથી. અનેક ક્ષતિઓ સાથે આ નવા પોર્ટલને અધુરી તૈયારી સાથે જ લોંચ કરી દીધુ તે પ્રાથમિક દ્રષ્ટીએ જ જણાય આવે છે. સરકાર પક્ષે શરુઆત ના એક બે દીવસ માં નાણામંત્રીએ પોર્ટલ બાબતે ટીવ્ટ કર્યા પછી આખો મહીનો ચાલ્યો ગયો છતાં સરકાર “સાયલન્ટ મોડમાં” છે. અત્યારની એરર અને વેબસાઈટ ડેવલોપમેન્ટની સ્થિતી જોતા હજુ 4-6 મહીના સુધી આ પોર્ટલ સરળતાથી ચાલુ થશે તેવું દેખાતુ નથી. આ પોર્ટલ પર આજે એક પણ કાર્ય સરળતાથી નથી થઈ રહ્યું. લોગીનથી લઈ ને દરેક પ્રકારના કાર્ય ધીમે થાય છે અથવા તો “એરર” આપીને તે કાર્ય અધુરુ મુકવુ પડે છે. આ પ્રકારની સ્થિતિ સૌથી મોટી નુકશાની બે પક્ષે જવાની છે, એક સરકારને પોતાને અને બીજી ટેક્ષ પ્રોફેશનલને.સરકારને રેવન્યુ લોસથી લઈને દરેક પ્રકારના ફોર્મની છેલ્લી તારીખો વધારવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેશે નહી. જી એસ ટીમાં 3B ઓપશનલ નાનું રીટર્ન હતુ જેનાથી સરકારને રેવન્યુ ચાલુ રહી પણ આમાં એ શક્ય નહી બને જ્ર્યારે અમારા જેવા ટેક્ષ પ્રોફેશનલ સતત “એરર ફેસ” કરીને સોશીયલ મીડીયામાં બળાપો કરીશું પંરંતુ આ પ્રકારના બળાપાથી મુશ્કેલીઓ હલ થવાની નથી અને છેલ્લે વધારે પડતું ટેન્શન અંતે તો આપણાં સ્વસ્થ્યને પણ નકારાત્મક અસર ચોક્કસ કરશે. અત્યારે આ નવા પોર્ટલની સ્થિતિ જોયા પછી સરકારે ફરીથી સમયસર નક્કી કરીને જુના પોર્ટલ પર પરત ફરવું જોઈએ અને રીટર્ન અને અન્ય ફોર્મ કે જે જુના પોર્ટલ પર વ્યવસ્થિત ચાલે છે તેનો ઉપયોગ કરવો જોઈએ. નવા પોર્ટલને પુરી રીતે ડેવલોપ થવામાં ઘણો સમય જશે જે હક્કીત આપણે જાણીએ છીએ એ વસ્તુ સરકાર પક્ષે સ્વીકાર થાય એ અત્યાર ના સમય પર ખૂબ જરુરી છે”.

આ અંગે જણાવતા અમદાવાદના ટેક્સ એડવોકેટ જય ઠક્કર જણાવે છે કે “ઇન્કમ ટેક્સ હેઠળ કરવાની થતી સામાન્યમાં સામાન્ય બાબત માટે આ પોર્ટલ ઉપર અસમાન્ય મહેનત કરવી પડે છે. ઇન્કમ ટેક્સ રિટર્ન ભર્યા પછી તેની રિસીપ્ટ ડાઉનલોડ કરવી, આધાર-PAN લિન્ક કરવા જેવી અરે લૉગિન થવા જેવી સામાન્ય બાબત પણ આ પોર્ટલ ઉપર સહેલાઈથી થઈ રહી નથી. મારા અમુક અસીલના રિટર્નમાં રિટર્ન ફાઇલ થઈ ગયા છે પરંતુ તે રિટર્નમાં તારીખ દર્શાવવામાં આવી રહી નથી તો જ્યાં રિટર્નનું “આધાર વેરિફિકેશન” થઈ ગયું હોવા છતાં આજે પણ “પેન્ડિંગ ફોર વેરિફિકેશન” તેવો મેસેજ આવે છે. આ ઉપરાંત રિટર્ન ભરવા સાથે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેંટ તરફથી આવતા ઇ મેઈલમાં પણ કોઈ એટેચમેંટ આવતું નથી.” આ જ બાબત ઉપર જણાવતા પોરબંદર ટેક્સ એડવાઇઝર એસોસીએશનના પ્રમુખ કેયૂર શાહ જણાવે છે કે “આ નવા પોર્ટલ ઉપર TDS રિટર્ન ભરવામાં ખૂબ વધુ સમય લાગે છે. ઇન્કમ ટેક્સ હેઠળ ભરવાના થતાં ઘણા રિટર્ન હજુ ચાલુ કરવામાં આવ્યા નથી. જે રિટર્ન શરૂ થયા છે તેમાં પણ વિવિધ કપતોની વિગતો આપવાની પદ્ધતિ ખૂબ જટિલ છે. આ ઉપરાંત ડિજિટલ સિગ્નેચર રજીસ્ટર કરવા માટેની સિસ્ટમ પણ વધુ ટેકનિકલ હોય તમામ કોમ્પ્યુટર્સમાં આ સપોર્ટ કરતી નથી. 1 મહિનો થવા છતાં પણ ઘણા કરદાતાના PAN જૂના પોર્ટલ ઉપરથી માઈગ્રેટ થયા નથી એવી સ્થિતિ છે.”

- Advertisement -

નવી ઇન્કમ ટેક્સ વેબસાઇટની કામગીરી બાબતે આવી અનેક ફરિયાદો ઉઠી રહી છે. નવું પોર્ટલ હજુ સંપૂર્ણ રીતે કામ આપવા તૈયાર નથી તેવું તદ્દન સ્પષ્ટ છે. કોવિડ જેવા મુશ્કેલ સમયમાંથી જ્યારે દેશ પસાર થઈ રહ્યો છે ત્યારે આ પ્રકારની વધુ મુશ્કેલી સરકાર શા માટે પોતાના તથા કરદાતાઓ માટે ઊભી કરી રહી છે તે બાબત સમજણથી પર છે. આ સમય નવા નવા પ્રયોગ કરવાના બદલે ટકી રહેવાનો છે. વધુ સમય વેડફયા વગર ઇન્કમ ટેક્સની જૂની વેબસાઇટ ફરી શરૂ કરવામાં આવે તે હાલના તબક્કે અનિવાર્ય છે. નવું પોર્ટલ જરૂરી હતું કે નહીં તે બાબતે ચર્ચા કરવાનું પણ હવે અસ્થાને છે. જરૂર છે આ નવા પોર્ટલને સંપૂર્ણ રીતે ડેવલોપ કરવાની અને ફરી તેનું આવતા નાણાકીય વર્ષે 01 એપ્રિલથી “રી લોન્ચ” કરવાની!!!
(ભવ્ય પોપટ, લીગલ ડેસ્ક – ખબર ગુજરાત)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular