સગીરવયના બાળકોને લગ્ન કરાવતા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જામનગર જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અને જીલ્લા બાળ સુરક્ષા અધિકારીની ટીમ દ્વારા તા.05-07-2021ના રોજ થનારા એક બાળ લગ્ન થતા પહેલા જ અટકાવવામાં આવ્યા છે. જામનગરના અલ્યાબાળા ગામમાં સમાજ સુરક્ષાની ટીમ પહોંચતા તા. ૦૫-૦૭-૨૦૨૧ ના રોજ થનાર બાળ લગ્નની તૈયારીઓ ચાલતી હોય થનારા બાળ લગ્ન તા: 03-07-2021ના રોજ અટકાવી બાળકોના જીવનને બચાવવામાં આવ્યા હતા.
જામનગર જિલ્લામાં સમાજ સુરક્ષા વિભાગ અને જીલ્લા બાળ સુરક્ષા વિભાગ એક્શનમાં આવી અસરકારક કામગીરી કરતાં બાળ લગ્ન થતા અટકાવ્યા છે. બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી ડૉ. પ્રાર્થનાબેન શેરશીયાના જણાવ્યા અનુસાર, એક જાગૃત નાગરીકે ચાઈલ્ડ લાઈનને જામનગરના અલ્યાબાળા ગામમાં તા. 05-07-2021ના રોજ યોજાનારા લગ્ન બાળ લગ્ન હોવાની જાણ કરી હતી. જાણકારીના આધારે જીલ્લા સમાજ સુરક્ષાની અને જીલ્લા બાળ સુરક્ષાની ટીમ સાથે રાખીને અલ્યાબાળા ખાતે તા. 03-07-2021ના રોજ પહોંચી ગઈ હતી.
ઘટના સ્થળે 21 વર્ષથી નીચેની સગીરના લગ્નનું તા.05-07-2021 ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ બાબતની જાણ સમાજ સુરક્ષા વિભાગને થતાં સમાજ સુરક્ષા વિભાગ દ્વારા આ અંદાજે 20 વર્ષના સગીર અને તેમના માતા-પિતાને તા.03-07-2021ના રોજ સમજાવવામાં આવ્યા હતા કે, આ પ્રકારના લગ્ન કરવા એ કાયદાની વિરુદ્ધ છે અને જેનું ઉલ્લંઘન કરવાથી કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે તેમ છે. જામનગરના બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી પ્રાર્થનાબેન શેરશીયા, જીલ્લા બાળ સુરક્ષા અધિકારી સમીરભાઈ પોરેચા, અને લીગલ કમ પ્રોબેશન ઓફિસર જ્યોત્સનાબેન હરણના સમજાવ્યા બાદ સગીર યુવકના માતા-પિતા માની ગયા હતા તેમજ આ લગ્ન કરવાનું મોકૂફ રાખ્યું હતું. યુવકની ઉંમર જ્યારે 21 વર્ષ થઈ જાય ત્યારબાદ જ લગ્ન કરશે, તેમ વડીલોએ જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીને જણાવ્યું હતું. ત્યારબાદ લગ્ન યોજનાર પક્ષના વાલીઓ, સમાજના આગેવાનો અને સ્થાનિકોને બાળ લગ્ન વિરોધી કાયદા અંગે સમજ આપી બાળ લગ્નના પરિણામે ઉભી થનારી સમસ્યા વિશે જાણકારી આપી હતી. ટીમે વાલીઓ સહિતને જાણકારી આપતાં જ તેઓને પોતાની ભુલ સમજાઈ હતી અને હાલમાં આ લગ્ન નહીં કરાવવાનો નિર્ણય કર્યો હતો.
આ સાથે છોકરીની ઉંમર 18 વર્ષ અને છોકરાની 21 વર્ષ થાય પછી જ લગ્ન કરાવવાનું કહ્યું હતુ. આમ જાગૃત નાગરિકની ફરિયાદ અને તંત્રના પ્રયાસોથી બાળ લગ્ન અટકાવવામાં સફળતા મળી છે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે, ગત જુન 2021 માસમાં પણ કુલ 03 બાળ લગ્ન અટકાવવાની કામગીરી કરવામાં આવેલ હતી.