જામનગરના નારાયણનગરમાં રહેતા નવીનભાઈ ગણેશભાઈ કણજારીયા એ પંચેશ્વરટાવર પાસે આવેલી મિલકત ડિસેમ્બર-2019માં રૂા-10,00,000/- અવેજ ચૂકવી કાયદેસર રીતે શહેનાઝ કાદરભાઈ ખુરેશી પાસેથી ખરીદ કરી હતી. મિલકત ખરીદયા બાદ ફરિયાદીને જાણવા મળેલ કે શહેનાઝ ખુરેશી અને મૂળ માલીક પ્રતિક ભાલચંદ્ર સુરાણી એ એકમેકને મદદ કરી મિલકતના કાયદેસરના અન્ય વારસદારોને જાણી જોઈને છુપાવી પોતે એક માત્ર વારસ છે તેવા ખોટા સોગંદનામા કરી તેનો સાચા તરીકે ઉપયોગ કરી સિટી સર્વે માં હક્ક ઊભો કર્યો હતો. આવી વિવાદાસ્પદ મિલકત ફરિયાદી ને પધરાવી દઈ ઓર્ગેનાઇઝડ ક્રાઇમ કરી ફરિયાદીને રૂ/- 10,00,000/- નો ચુનો ચોપડી છેતરપિંડી કરી હતી. આ અંગે નવીનભાઈ કણજારિયા એ નવેમ્બર-2020 માં સીઆરપીસી કલમ 154 મુજબ એસ.પી. જામનગરને લેખિત ફરિયાદ કરી હતી. આ ફરિયાદ આપ્યા બાદ પણ પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં ન આવતા ડિસેમ્બર-2020 માં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જામનગર સમક્ષ ફરિયાદ દાખલ કરી હતી.
કોર્ટમાં ફરિયાદીના વકીલ દ્વારા આ કેસમાં આઇપીસી-કલમ-166(એ) મુજબ ગુન્હો નોંધવા આદેશ આપવા માંગણી કરતાં જામનગરના 8માં એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સી.કે.પિપલીયાએ એસ.પી. જામનગરને 15દિવસમાં ખુલાશો-જવાબ આપવા આદેશ કર્યો છે. આ કેસમાં ફરિયાદી તરફે વકીલ અનિલ જી.મહેતા, નિકુંજ બી.લીંબાણી તથા પાર્વતી ડી.મોકરીયા વી.એસ.જાની રોકાયેલા છે.