નાના અને લઘુ ઉદ્યોગની કેટેગરીમાં છૂટક વેપારીઓને પણ સમાવી લેવાની કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ દિવસ પૂર્વે કરવામાં આવેલી જાહેરાત સામે નાના અને લઘુ ઉદ્યોગના એસોસિયેશનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે.
તેને પરિણામે નાના અને લઘુ ઉદ્યોગોને કેન્દ્ર તરફથી મળતી સહાયનો ખાસ્સો હિસ્સો રિટેઈલર્સ પણ મેળવતા થશે તેવી તેમની ભીતિ હોવાથી તેમણે વિરોધ નોંધાવ્યો છે. છૂટક વેપારીઓ અને હોલસેલર્સને ઉદ્યમ પોર્ટલ પર તેમના નામ રજિસ્ટર કરાવી દેવાની છૂટ આપવામાં આવી છે.
આ રજિસ્ટ્રેશનમાં ગરબડ થવાની સંભાવના એમએસએમઈને લાગી રહી છે. જોકે અત્યાર સુધીમાં એટલું જ સ્પષ્ટ થઈ રહ્યું છ ેકે રિટેઈલર્સ અને હોલસેલર્સને ધિરાણ મેળવવામાં અગ્રતાક્રમ મળશે.બીજું, પબ્લિક પ્રોક્યોરમેન્ટ પોલીસી હેઠળ પણ રિટેઈલર્સ અને હોલસેલર્સને આવરી લેવામાં આવશે.
તેનો અર્થ એ થયો કે કેન્દ્ર સરકારની કંપનીઓ, કેન્દ્રિય મંત્રાલયો અને અન્ય સરકારી કચેરીઓને જે ખરીદી કરવાની થાય છે. તેમાં પણ રિટેઈલર્સ હિસ્સો મેળવતા થઈ જશે તેવો ભય પણ નાના અને મધ્યમ ઉદ્યોગો સતાવી રહ્યા છે. નાના અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે સરકારી કંપનીઓ અને મંત્રાલયોની ખરીદીમાં તેમના પાસેથી 25 ટકા ખરીદી કરવાનો નિયમ કરવામાં આવેલો છે. હવે ટ્રેડર્સ આયાત કરીને સરકારને સપ્લાય આપતા થઈ જશે તેવો પણ ભય સૂક્ષ્મ અને નાના ઉદ્યોગોને લાગી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સહકારની યોજનાઓની સ્કીમનો ટ્રેડર્સ ગેરલાભ ઊઠાવીને સપ્લાય કરતાં થઈ જશે. તેથી તેના પર પણ મજબૂત નિયંત્રણો મૂકવા જરૂરી છે. બેન્કર્સ પર પણ વધુ અરજીઓ પ્રોસેસ કરવાનું ભારણ આવી જશે. તેના અલગ ઇશ્યૂ ઊભા થશે.
કોન્સોર્ટિયમ ઑફ ઇન્ડિયન એસોસિયેશનના કે.ઈ. રઘુનાથનનું કહેવું છે કે હું છૂટક વેપારીઓ કે રિટેઈલર્સનો વિરોધ કરતો નથી. તેમને આ કેટેગરીમાં મૂકવાથી બંનેનું એટલે કે રિટેઈલર્સ-હોલસેલર્સ અને એમએસએમઈ સેક્ટર બંનેનું નુકસાન થવાનું છે.
પહેલા જે ફાઈનાન્સ માત્ર 6 કરોડ લોકોમાં વિતરીત કરવામાં આવતું હતું તે જ ફાઈનાન્સ હવે 12 કરોડમાં વિતરીત કરવામાં આવશે. સરકાર ભલે કહે કે 2.70 કરોડ જ રિટેઈલર્સ છે. પરંતુ વાસ્તવમાં તેમની સંખ્યા 6 કરોડની છે. એમએસએમઈની કેટેગરીમાં આવતા માઈક્રો (સૂક્ષ્મ-રૂપિયા પાંચ કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા એકમો) યુનિટની સંખ્યા પણ ભારતમાં 6 કરોડની છે.
તેમને આજની તારીખમાં ફાઈનાન્સ મેળવવામાં તકલીફ પડી રહી છે. આ સ્થિતિમાં બીજા છ કરોડનો ઉમેરો થશે તો બેમાંથી એકને પણ ફાઈનાન્સ બરાબર મળશે નહિ. સરકારની આ કવાયત એક ગ્લાસ જ્યુસમાંથી ત્રણ જણને પીરસવાની કવાયત છે. તેમાં ત્રણેયમાંથી એકને પણ સંતોષ આપી શકશે નહિ.
કોરોના પછી ટ્રેડર્સ અન ેહોલસેલર્સની હાલત ખરાબ થઈ છે, તો સૂક્ષ્મ ઉદ્યોગોની હાલત પણ કફોડી છે. તેમનું કહેવું છે કે આ સંજોગોમાં સરકારે રિટેઈલર્સ અને હોલસેલર્સના ફાઈનાન્સ માટે અલગ કેટેગરી ઊભી કરવી જોઈએ. તેમ કરીને ધિરાણમાં રિટેઈલર્સને માઈક્રો યુનિટ્સ કરતાંય ઓછા વ્યાજદરે ધિરાણ આપીને તેમની ડિમાન્ડ સંતોષી શકી હોત.
ટ્રેડર્સ માત્ર મહિનામાં જ તેનું માલ વેચીને નીકળી શકે છે. તેનો ટર્ન એરાઉન્ડ ટાઈમ 30થી 40 દિવસનો છે. તેની સામે માઈક્રો અને સ્મોલ ઉદ્યોગનો ટર્નએરાઉન્ડ ટાઈમ 150થી 180 દિવસનો છે. તેથી માઈક્રો એકમોને જે વ્યાજ દરે નાણાં અપાય છે તેનાથી ઓછા વ્યાજદરે રિટેઈલર્સને આપવા માટે તેમની અલગ કેટેગરી બનાવવાનો વિકલ્પ વધુ અસરકારક સાબિત થયો હોત.
રિટેઈલર્સ કે હોલસેલર્સને આપવામાં આવેલી લોન જો તે વહેલી બેન્કને પરત કરે તો તેવા સંજોગોમાં તેમને એડિશનલ ઇન્ટરેસ્ટ કટ રેટ આપીને વધારાનું પ્રોત્સાહન પણ સરકાર આપી શકે છે. આ બંનેને મિક્સ અપ કરવાની જરૂરી નથી. મિક્સ અપ કરવાથી સૂક્ષ્મ અને નાના ઉદ્યોગોને મળતાં લાભ વહેંચાઈ જશે, જે બંનેમાંથી એકને માટે પણ ફાયદાકારક રહેશે નહિ. નાના અને મધ્યમ ઉદ્યોગોની જ કેટેગરીમાં છૂટક વેપારીઓ અને હોલસેલર્સને મૂકી દેવામાં આવતા બંનેમાંથી એક પણ ગુ્રપને યોગ્ય ફાઈનાન્સ મળશે નહિ. આ સ્થિતિને નિવારવા માટે છૂટક વેપારીઓ અને હોલસેલર્સની એકદમ અલગ જ કેટેગરી સરકારે બનાવવી જોઈએ. તેમને અગ્રતાને ધોરણે ધિરાણ આપવાની વ્યવસ્થા કરવી જોઈએ. તેમ જ તેમને ઓછા વ્યાજદરે ધિરાણ આપવાની પણ વ્યવસ્થા કરવી જોઈએ. આ વ્યવસ્થા કરવામાં નહિ આવે તો અંધાધૂંધી સર્જાશે અને બંનેમાંથી એક પણ જૂથને સંતોષ થાય તેવું ધિરાણ મળશે નહિ.