Thursday, December 26, 2024
Homeરાજ્યગુજરાતવરસાદના અભાવે સુકાય રહ્યા છે રાજયના જળાશયો

વરસાદના અભાવે સુકાય રહ્યા છે રાજયના જળાશયો

રાજ્યના 207 ડેમમાંથી 118માં 25%થી ઓછું પાણી, ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછું પાણી : ઉત્તર-કચ્છમાં 25%થી ઓછું પાણી, મધ્યમાં 44%થી વધારે : વરસાદ ખેંચાયો તો વણસી શકે છે સ્થિતિ

- Advertisement -

ચોમાસાના ધોરી માસ સમાન જૂલાઇનો પ્રારંભ થઇ ગયો છે. પ્રથમ સપ્તાહમાં રાજયમાં વરસાદ વરસ્યો નથી. જયારે બીજા સપ્તાહમાં પણ નહીંવત વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. જૂનના મધ્યભાગમાં ચોમાસાનો વહેલો પ્રારંભ થયા બાદ રાજયમાં વરસાદ ખેંચાઇ જતાં તેની વિપરીત અસર જળાશયોમાં પાણી સંગ્રહ પર પડી છે. વરસાદના અભાવે એક તરફ જળાશયોમાં નવા પાણીની આવક બિલકુલ નથી જયારે હયાત પાણીનો જથ્થો પણ ઝડપભેર ઘટી રહ્યો છે. હાલ રાજયના 206 જળાશયોમાં સંગ્રહિત પાણીનો જથ્થો 40 ટકાથી પણ ઓછો છે.

રાજયની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પણ છેલ્લા એક મહિનામાં જળ સપાટીમાં 10 મીટરનો ઘટાડો નોંધાયો છે. આવી સ્થિતિમાં જો વરસાદ ખેંચાશે તો રાજયમાં જળ કટોકટી નિર્માણ થઇ શકે છે.

જુલાઈનો પ્રારંભ થઈ ગયો છે. રાજ્યમાં 14.63% ટકા વરસાદ થયો છે. ગત વર્ષના જૂન મહિનામાં 14.71% વરસાદ થયો હતો. રાજ્યનાં 206 જળાશયમાં 39% જળસંગ્રહ છે. માત્ર બે ડેમો જ સંપૂર્ણ ભરેલા છે. બન્ને જળાશય અમરેલી જિલ્લાનાં છે. 65 જળાશયમાં 10%થી ઓછું પાણી છે, જ્યારે 118માં 25%થી પણ ઓછું પાણી છે. સરદાર સરોવરમાં 43% જળસંગ્રહ છે. સરદાર સરોવરમાં છેલ્લા એક મહિનામાં જળસપાટી 9.24 મીટર ઘટી છે. હાલમાં સપાટી 113.12 મીટર છે. ગત 5 જૂને સપાટી 122.36 મીટર હતી. 6 જળાશયમાં જ 80%થી વધારે પાણી છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં 25%થી ઓછો જળસંગ્રહ છે, મધ્ય ગુજરાતમાં 44%થી વધારે અને દક્ષિણ ગુજરાતમાં 40% પાણી છે. સૌરાષ્ટ્રમાં 31% સંગ્રહ છે. સૌથી ઓછો જળસંગ્રહ ધરાવતા જિલ્લાઓમાં બનાસકાંઠા 7%, ખેડા 4% અને દેવભૂમિ દ્વારકા 2.54% છે. ગત વર્ષે 3 જુલાઇ સુધી 45.67% જળસંગ્રહ હતો.

હવામાન ખાતા મુજબ, આગામી 5 દિવસમાં સારા વરસાદની શક્યતા નહીંવત છે. વાવણી બાદ મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો ન હોવાથી ખેડૂતો ચિંતામાં છે. જો એક સપ્તાહમાં સારો વરસાદ ના પડે તો પાક નિષ્ફળ જવાનો પણ ભય છે. છેલ્લાં 30 વર્ષમાં સૌથી વધારે 50 ઇંચ વરસાદ 1994માં, જ્યારે સૌથી ઓછો 18 ઇંચ વરસાદ 2000માં થયો હતો. ગત વર્ષે કુલ વરસાદના 58 ટકા વરસાદ એકલા ઑગસ્ટ મહિનામાં જ પડી ગયો હતો. 2005, 2006 અને 2007 એમ સતત 3 વર્ષ સતત 40 ઇંચથી વધારે વરસાદ થયો હતો. સામાન્ય રીતે એક સારા ચોમાસા બાદ બે ચોમાસાં નબળાં જાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular