Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં 3,000 કોરોના બેડની તૈયારીઓ ?!

જામનગરમાં 3,000 કોરોના બેડની તૈયારીઓ ?!

- Advertisement -

જામનગર-ગુજરાત સહિત દેશભરમાં એવા રિપોર્ટ પ્રગટ થઇ રહ્યા છે કે, આગામી સપ્ટેમ્બર-ઓકટોબરમાં કોરોના મહામારીની ત્રીજી લહેર આવી રહી છે. આ સંભવિત લહેર તબાહી મચાવે તે પહેલાં જામનગર સહિત દેશભરમાં આ મહામારી સામે લડવા તૈયારીઓ થઇ રહી છે. એવાં અહેવાલો છે.

રાજયના ઘણાં બધા શહેરોમાં કોરોના બેડ, ઓક્સિજન બેડ, આઇસીયુબેડ, ઓકિસજન પુરવઠો અને ઇંજેકશનો તેમજ દવાઓ સહિતની તૈયારીઓ થઇ રહી હોવાનું જાણવા મળે છે. જામનગર સિવાયના વિવિધ શહેરોમાં કેવા પ્રકારની તૈયારીઓ થઇ છે ? અથવા કરવામાં આવી રહી છે ? તેની સંપુર્ણ વિગતો આંકડોઓ સાથે જાહેર થઇ રહી છે. જામનગરમાં આ પ્રકારની કોઇ આંકડાકિય વિગતો તંત્રો દ્વારા જાહેર કરવામાં આવી નથી !

થોડાં સમય પહેલાં જામનગરમાં કલેકટર, કમિશ્નર અને જિલ્લા વિકાસ અધિકારી તરીકે નવા અધિકારીઓ આવ્યાં છે.તેઓ જામનગરમાં કોરોનાની પ્રથમ અને બીજી લહેર દરમ્યાન શું સ્થિતિ હતી? એ અંગે સ્વાભાવિક રીતે જ જાણકારીઓ ધરાવતા ન હોય તાજેતરમાં મેડિકલ કોલેજ ખાતે એક બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં કલેકટર અને કમિશ્ર્નર સહિતના અધિકારીઓ તથા ડિન સહિતના નિષ્ણાંત અને અનુભવી તબિબો હાજર રહ્યા હતાં. આ બેઠક બાદ એવું જાહેર કરવામાં આવ્યું હતું કે, કોરોનાની સંભવિત ત્રીજી લહેરના અનુસંધાને તૈયારીઓ કરવામાં આવી રહી છે. પરંતુ અફસોસની વાત એ છે કે, કેવાં પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે? અને તેની આંકડાકિય વિગતો શું છે? તેની કોઇ જ જાહેરાત તંત્રો દ્વારા કરવામાં આવી નથી. માત્ર બેઠક હતી એટલું જ જાહેર થયું છે. લોકોને વિગતો જાણવામાં રસ છે. પરંતુ વિગતો જાહેર કરવામાં આવી નથી.

લોકો સુધી આ પ્રકારની વિગતો પહોંચે તે માટે ‘ખબર ગુજરાત’ દ્વારા ગઇકાલે સોમવારે બપોર બાદ કલેકટર ડો.સૌરભ પારધીની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. જો કે, તેઓની સાથેની વાતચીતમાં જાણવા મળ્યું છે કે, ત્રીજી સંભવિત લહેરના સામના માટે જામનગરમાં કેવી તૈયારીઓ કરવામાં આવી છે? તેની કોઇ નકકર વિગતો હાલની તકે સપાટી પર આવી નથી. બીજી લહેર વખતે જામનગરમાં 2000 કોરોના બેડનું આયોજન કરવામાં આવ્યું છે. એવો પ્રચાર જે તે સમયે તત્કાલીન કલેકટર દ્વારા કરવામાં આવ્યો હતો. પરંતુ સૌ જાણે છે એમ, વધારાના 1000 બેડની વ્યવસ્થા કરવાની જાહેરાત સામે માત્ર 400 વધારાના બેડની વ્યવસ્થા કર્યા પછી બાકીના વધારાના 600 બેડની વ્યવસ્થા કરવાનું તંત્રો ભુલી ગયા હતાં. અત્રે એ પણ નોંધનીય છે કે, ગત્ એપ્રિલ તથા મે માસ દરમ્યાન જામનગરમાં કોરોના દર્દીઓ પુષ્કળ પરેશાન થયા હતાં અને ઘણાં બધા કોરોના દર્દીઓના મોત પણ નિપજયા હતાં. હાલમાં તંત્ર દ્વારા ત્રીજી સંભવિત લહેરના સંદર્ભમાં 3,000 બેડની કુલ સુવિધા ઉભી કરવામાં આવશે એવો હાલ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, આ નિર્ણયના અનુસંધાને જરૂરી વિગતો હાલ ઉપલબ્ધ નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular