પ્રાધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે રોજ કેબીનેટની બેઠક મળી હતી. જેમાં ભારતનેટ માટે 19401 કરોડની રકમ મંજુર કરવામાં આવી છે. પરિણામે હવે દેશના 16 રાજ્યોના 3 લાખ 60 હજાર ગામડાંઓ સુધી ઈન્ટરનેટ પહોંચાડવામાં આવશે તેમજ પાવર રિફોર્મ્સ હેઠળ પાવર ડીસ્ટ્રીબ્યુશન સ્કીમ માટે 3.03 લાખ કરોડ રૂપિયાની મંજુરી આપી દેવામાં આવી છે. જેના લીધે ગામડાઓમાં પણ 24 કલાક વીજળી પહોચશે.
કેબીનેટની બેઠકમાં લેવાયેલ નિર્ણય મુદ્દે કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે ઇન્ફોર્મેશન હાઈવે દરેક ગામ સુધી પહોંચે તે દિશામાં સરકારે ઐતિહાસિક નિર્ણય લીધો છે. તેના માટે 19 હજાર કરોડ રૂપિયાની મંજૂરી મળી છે. ગત વર્ષે 15 ઓગસ્ટે PM મોદીએ ભારતનેટ અંતર્ગત 1000 દિવસમાં 6 લાખ ગામડાંઓમાં ઓપ્ટિકલ ફાઈબર બ્રોડબેન્ડ લગાડવાની વાત કરવામાં આવી હતી. જે ગ્રામીણ વિસ્તારોને કનેક્ટ કરશે.
રવિશંકર પ્રસાદે વધુમાં જણાવ્યું કે આજે આ દિશામાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અમે 1.56 લાખ ગ્રામ પંચાયતો સુધી પહોચી ગયા છીએ.. દેશની 2.5લાખ ગ્રામ પંચાયતોને ઓપ્ટિકલ ફાઇબરથી કનેક્ટ કરવાનો લક્ષ્યાંક છે. અને આજે અમે દેશના 16 રાજ્યોમાં 29,432 કરોડ રૂપિયાના ખર્ચે પીપીપી મોડેલ દ્વારા ભારતનેટને મંજૂરી આપી છે. જેના પર ખર્ચ થનારી કુલ રકમમાં ભારત સરકારનો હિસ્સો 19,041 કરોડ રૂપિયા છે.સરકાર આ યોજના માટે 42 હજાર કરોડ રૂપિયા પહેલાં જ જાહેર કરી દીધા છે. અત્યાર સુધીમાં આ મદદ માટે કુલ ખર્ચ લગભગ 62 હજાર કરોડ રૂપિયા થઈ જશે.
સાથે પાવર સેક્ટરમાં સુધારા પર પણ કેન્દ્રીય કેબિનેટે મહત્વનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત રાજ્ય સરકારો પાસેથી પ્લાન માગવામાં આવશે અને કેન્દ્ર તરફથી તેને પૈસા આપવામાં આવશે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે 28 જૂને જ પાવર ડિસ્ટ્રીબ્યૂશન સ્કીમ માટે 3 લાખ કરડોની મંજૂરી આપી હતી. જૂની HT-LT લાઈન્સને બદલવામાં આવશે, કે જેથી લોકોને 24 કલાક વીજળી મળી રહેશે.