ગુજરાતમાં લાંબા સમય સુધી શાસનથી દૂર રહેવાને કારણે દેશના સૌથી જૂના રાષ્ટ્રીય પક્ષ કોંગ્રેસમાં કજીયા વધ્યાં છે અને સમગ્ર રાજયમાં પક્ષ લગભગ વેરવિખેરની સ્થિતિમાં છે. રાજયમાં પાર્ટી નાણાંકીય ખેંચ પણ અનુભવે છે. અને સ્થાનિક લેવલથી માંડીને રાજયકક્ષા સુધી નેતાગીરી સંગઠિત ન હોવાને કારણે પ્રજાકીય મુદ્દાઓ પર સરકારને ભીડવવામાં પણ આ મુખ્ય વિપક્ષ વામણો પૂરવાર થઇ રહ્યો છે. રાજયમાં જુદાં જુદાં શહેરોમાં તથા ગ્રામ્ય વિસ્તારોમાં સમસ્યાઓનો તોટો નથી આમ છતાં વિપક્ષ આક્રમક અને સંગઠિત બનવાનું ટાળે છે.
રાજયભરમાં કોંગ્રેસના સ્થાનિક આગેવાનો અને કાર્યકરો પ્રદેશકક્ષાએ નવી નિમણૂંકોની રાહ જોઇ રહ્યા હોય તેવું ચિત્ર છે. પક્ષના આંતરિક જૂથો વર્ચસ્વ માટે તલપાપડ છે. પરંતુ કાર્યકર્તાઓનું લશ્કર અસ્તવ્યસ્ત હોવાને કારણે મોટા નેતાઓનું પણ પ્રદેશ કક્ષાએ ખાસ કશું ઉપજતું ન હોય તેવી સ્થિતિ છે. પક્ષની રાષ્ટ્રીય નેતાગીરી પણ ગુજરાત મુદ્દે ચિંતિત છે.
તાજેતરના રિપોર્ટ પ્રમાણે, પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધી જુલાઇના પ્રથમ સપ્તાહમાં ગુજરાતની નેતાગીરી અંગે ફોકસ કરે તેવી સંભાવના છે. તેઓ એમ પણ ઇચ્છે છે કે, 2022ની વિધાન સભા ચૂંટણી પૂર્વે ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ મજબૂત બની જાય. જો કે, આ માટે રાષ્ટ્રીય સ્તરે શું ગતિવિધિઓ થઇ રહી છે? તે અંગેની વિગતો હાલ મળી શકી નથી. પરંતુ ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી અને ઝડપથી આ પાર્ટીનું સંગઠન મજબુત થવા તરફ જઇ રહ્યું હોય કોંગ્રેસની ચિંતામાં વધારો થયો છે. કોંગ્રેસની રાષ્ટ્રીય નેતાગીરી ગુજરાત મામલે ઝડપથી અને અસરકારક પગલાં નહીં ભરે તો 2022ની ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસ ત્રીજા સ્થાને ધકેલાઇ જાય તો પણ નવાઇ નહીં. આમ આદમી પાર્ટી મહેનત કરી રહી છે અને શાસક પક્ષને ચૂંટણીમાં જબ્બર ટક્કર આપવા અને ઓછામાં ઓછું મજબુત વિપક્ષ તરીકે ઉપસી જવા આમ આદમી પાર્ટી ભરપુર પ્રયાસો કરી રહી હોય કોંગ્રેસનો પથ ગુજરાતમાં વધુ કાંટાળો બન્યો છે. ગુજરાત કોંગ્રેસમાં અન્ય પક્ષોની માફક એક સમસ્યા એ પણ છે કે, જુના ચહેરાઓનો કયાં સુધી અને કેટલો ઉપયોગ કરવો ? યુવાઓને કેટલાં પ્રમાણમાં આગળ વધારવા? એ અંગે પણ રાષ્ટ્રીય નેતાગીરી ચિંતિત છે.
જુલાઇના પ્રથમ સપ્તાહ પછી ગુજરાત કોંગ્રેસ મામલે સ્થિતિ સ્પષ્ટ બનવાની સંભાવનાઓ જોવામાં આવી રહી છે.
‘આપ’ ને કારણે ગુજરાતમાં કોંગ્રેસ ત્રીજા સ્થાને ધકેલાઇ જશે?!
ગુજરાત કોંગ્રેસની ઓછી આક્રમકતા અને પ્રજાકીય પ્રશ્નો અંગે પ્રમાણમાં ઘણી ઢીલી નીતિ પક્ષને નુકસાન પહોંચાડી રહી છે