ચાલુ ખરીફ સિઝનને લગભગ એક મહિનો પૂરો થઈ ચૂક્યો છે જોકે વાવેતર કાર્યમાં વેગ આવી રહ્યો નથી. ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે વાવેતરમાં તીવ્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. ખરીફ 2020માં 29 જૂન સુધીમાં રાજ્યમાં 41 લાખ હેકટર વિસ્તારમાં વિવિધ ખરીફ પાકોની વાવણી થઈ ચૂકી હતી. જેની સરખામણીમાં ચાલુ સિઝનમાં 28 જૂન સુધીમાં માત્ર 25 લાખ હેકટર વિસ્તાર જ વાવેતર હેઠળ આવરી શકાયો છે. આમ 16 લાખ હેકટરનો ઘટાડો થયો છે. જેમાં બે મુખ્ય ખરીફ પાકો મગફ્ળી અને કપાસનું વાવેતર તીવ્ર ઘટાડો દર્શાવી રહ્યાં છે. જો ટકાવારીના સંદર્ભમાં જોઈએ તો ગયા વર્ષે ત્રણ વર્ષના સરેરાશ 84.90 લાખ હેકટર વાવેતરમાંથી 48.16 ટકા વિસ્તારમાં ખરીફ્ના પ્રથમ મહિના દરમિયાન જ વાવણી કાર્ય સંપન્ન થયું હતું. જ્યારે ચાલુ સિઝનમાં ત્રણ વર્ષની સરેરાશ 85.55 લાખ હેકટર સામે માત્ર 29.25 ટકા વિસ્તારમાં વાવણી જોવા મળે છે.
કૃષિ સાથે જોડાયેલા વર્તુળો જણાવે છે કે 2020ની સરખાણીમાં ચાલુ વર્ષે ખરીફ વાવેતર નીચું જોવા મળી રહ્યું હોવાનું મુખ્ય કારણ હજુ પણ વ્યાપક અને નોંધપાત્ર વરસાદનો અભાવ છે. ગયા વર્ષે જૂનની શરૂઆતમાં વાવાઝોડા વાયુને કારણે સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો. જેની પાછળ ખેડૂતોએ સિઝનની શરૂઆતમાં વાવેતર કરી નાખ્યું હતું. જ્યારે ચાલુ વર્ષે ઘણી જગ્યાએ વાવણીલાયક વરસાદનો અભાવ છે અને તેથી વાવેતર કાર્ય શક્યું નથી. એક અન્ય કારણમાં તેઓ એમ પણ જણાવે છે કે પાણીની સગવડને કારણે ચાલુ વર્ષે ઉનાળુ વાવેતર ઊંચું નોંધાયું હતું. જોકે વાવાઝોડે તૌકતેને કારણે તેના પર પાણી ફ્રી વળ્યું હતું અને તેઓ ખેતરને તૈયાર કરી શક્યાં નહિ હોવાથી વરસાદ થતાં આવા વિસ્તારોમાં વાવણી થઈ શકી નથી. આમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો મુખ્ય છે. સામાન્યરીતે સૌરાષ્ટ્રના ખેડૂતો જૂનમાં કપાસ અને મગફ્ળીનું વાવેતર કરી દેતાં હોય છે. કેમકે કપાસ લાંબા સમયનો પાક હોવાથી તેનું વાવેતર વહેલું થાય તે જરૂરી છે. જ્યારે અન્ય ખરીફ પાકોનું વાવેતર જુલાઈમાં પણ થઈ શકે છે. મુખ્ય ખરીફ પાકોની વાત કરીએ તો મગફ્ળીનું વાવેતર ચાલુ સિઝનમાં 7 લાખ હેકટરનો ઘટાડો દર્શાવી રહ્યું છે.
ગયા વર્ષે 29 જૂન સુધીમાં 17 લાખ હેકટર સામે ચાલુ સિઝનમાં 28 જૂન સુધીમાં માત્ર 9.99 લાખ હેકટરમાં જ તેલીબિયાં પાકનું વાવેતર નોંધાયું છે. સૌથી મોટા ખરીફ પાક કપાસનું વાવેતર પણ 4.26 લાખ હેકટર વિસ્તારમાં ઓછું જોવા મળી રહ્યું છે. ચાલુ સિઝનમાં ગયા સોમવારે સુધી 11.46 લાખ હેકટર વિસ્તારમાં કપાસ વવાયો હતો. ગયા વર્ષે સમાનગાળામાં 15.72 લાખ હેકટર વિસ્તારમાં વાવણી જોવા મળતી હતી. ખાદ્યાન્ન પાકોની વાત કરીએ તો તેમના વાવેતરમાં તીવ્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. ગઈ સિઝનમાં અત્યાર સુધીમાં 2.70 લાખ હેકટર સામે ચાલુ સિઝનમાં માત્ર 74 હેકટરમાં ડાંગર, બાજરી અને મકાઈ જેવા પાકોનું વાવેતર નોંધાયું છે.