જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં કોરોના વેકસીનનાં સમાચારો બનતાં રહે છે. કેટલાંક સમાચારો પ્રોત્સાહક હોય છે, કેટલાંક નિરાશાજનક તો કેટલાંક વળી ચિંતાજનક પણ.
વેકસીનેશન માટે તમામ સેન્ટરો (આરોગ્ય કેન્દ્રો) પર સુંદર વ્યવસ્થા નથી હોતી. ઘણાં વેકસીનેશન સેન્ટરો પર તો મેળા જામ્યા હોય છે, કયાંય કોઇ કતાર નહીં. સોશિયલ ડીસ્ટન્સના નિયમોનો ભંગ થતો હોય તેવા કિસ્સાઓ તો અપરંપાર હોય છે.
આ પ્રકારના અહેવાલો અખબારો તથા સમાચાર ચેનલોમાં પ્રકાશિત-પ્રસારિત થતાં રહે છે તો પણ તંત્રો પોતાની કામગીરીને વ્યવસ્થિત બનાવતાં નથી કેમ કે, વેકસીનેશનની કામગીરીને તંત્રો, ખાસ કરીને ઉચ્ચ અધિકારીઓ, બોજ સમજે છે, ફરજનિષ્ઠાનો ઘણાં અંશે અભાવ જોવા મળે છે. ઉચ્ચ અધિકારીઓ કચેરીઓમાં બેસીને જ બધું સંચાલન કરે છે. તેઓ ફિલ્ડવર્ક કરવાનું ટાળે છે. હાથ નીચેના અધિકારીઓ-કર્મચારીઓ પાસેથી ફીડબેક લેવાનું પણ ટાળે છે.મોટાં ભાગના વેકસીનેશન સેન્ટરો પર પિવાના પાણીની, બેસવાની, પંખાઓની સુવિધાઓ પાંખી જોવા મળે છે. આ પ્રકારની અસુવિધાઓને કારણે વેકસીન લેવા આવનારા હજારો લોકો પરેશાન પણ થતાં હોય છે. ઘણાં વેકસીનેશન સેન્ટરો પર ટોઇલેટ બ્લોકની વ્યવસ્થા પણ ઠીકઠાક નથી હોતી.
આ ઉપરાંત રાજય સરકાર દ્વારા કોર્પોરેશનને કયારે-કયારે, વેકસીનના કેટલાં ડોઝ ફાળવવામાં આવ્યા? તેના બેચ નંબરો શું છે? આ વેકસીનનો જથ્થો કયાં-કયાં સ્ટોર કરવામાં આવ્યો? સ્ટોરેજ રૂમો ખાતે યોગ્ય ટેમ્પરેચર જાળવવામાં આવે છે કે કેમ? પ્રત્યેક સ્ટોરેજ રૂમ ખાતેથી કયા કયા સેન્ટરો પર વેકસીનના કેટલાં ડોઝ મોકલવામાં આવ્યા? કયારે મોકલવામાં આવ્યા? તેના બેચ નંબરો શું છે? આ વેકસીન ડોઝની જવાબદારીઓ-વિતરણ વ્યવસ્થા કોને સોંપવામાં આવી ? આવેલાં ડોઝ પૈકી ખાનગી સંસ્થાઓને, હોસ્પિટલોને કેટલાં ડોઝ આપવામાં આવ્યા? તેના બેચ નંબરો શું છે? કુલ આવેલાં ડોઝ પૈકી કેટલાં વિતરિત થયા? કેટલાં ડોઝનો બગાડ થયો? વગેરે કોઇ જ આંકડા કોર્પોરેશન દ્વારા કયારેય જાહેર કરવામાં આવતાં ન હોય કોર્પોરેશનની કામગીરી સંદર્ભે પારદર્શિતાના સવાલો ઉઠે છે !
એમાંય જામનગર કોર્પોરેશનની તો વાત જ નિરાળી છે. પુષ્કળ કામ કરતાં હોવાનો અભિનય કરતાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પાસે ટાઇમ જ નથી ! તેઓ વેકસીન અંગેની વિગતો કોઇની પણ સાથે શેર કરવા ઇચ્છતાં નથી. પત્રકારો વેકસીન અંગે પુછપરછ કરે ત્યારે તેઓ અકળાઇ જાય છે! તેઓ વેકસીનને લગતી માહિતીઓ, વિગતો છૂપાવે છે શા માટે? તેઓની કામગીરીઓનું કમિશનર કક્ષાએથી એસેસમેન્ટ થતું હોય તેવું પણ દેખાતું નથી ! ડીએમસીને પત્રકારો સાથે વોટ્સએપ-ફોનકોલ્સ મારફતે કોમ્યુનિકેશનમાં રહેવામાં પણ તકલીફો પડે છ? શા માટે? તેઓ આટલાં બધાં વ્યસ્ત છે? કે પછી, વેકસીન મામલે ઘણું બધું છૂપાવવા ઇચ્છે છે ?!
જામનગરમાં વેકસીન સંદર્ભે પારદર્શિતાનો અભાવ !
ડેપ્યુટી કમિશનર વેકસીનેશન મામલે બોલવાનું કેમ ટાળે છે ?!