માઁ અમૃતમ્ કાર્ડની બંધ થયેલી કામગીરી તાકિદે ફરી શરૂ કરવા જામનગર મહાનગરપાલિકાના વિરોધપક્ષ નેતા અને વોર્ડ નં. 12ના કોર્પોરેટર અલ્તાફ ખફી દ્વારા કમિશનરને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે.
જામનગરના ગરીબ અને સામાન્ય વર્ગના લોકોને ગંભીર બિમારીઓ સબબ તેમજ સારવારમાં રાહતરૂપ થાય તે માટે માઁ અમૃતમ કાર્ડ જરૂરીયાતમંદ લોકોને આપવામાં આવતાં હતાં. હાલમાં કોરોના મહામારીના કારણે લોકોના વ્યાપાર ધંધા ઠપ્પ થઇ ગયા છે. આવા સંજોગોમાં બિમારીમાં સારવાર માટે રાહતરૂપ બને તે માટે માઁ અમૃતમ કાર્ડ ઉપયોગી છે. પરંતુ છેલ્લા કેટલાંક દિવસોથી માઁ અમૃતમ કાર્ડની કામગીરી બંધ થઇ ગઇ છે. પહેલાં મહાનગરપાલિકામાં આ કામગીરી કરાવમાં આવતી હતી. ત્યારબાદ મહાનગરપાલિકામાંથી આ કામગીરી બંધ કરીને જી.જી. હોસ્પિટલમાં ચાલુ કરવામાં આવી હતી. હાલ જી.જી. હોસ્પિટલમાં પણ આ કામગીરી બંધ થઇ ગઇ હોય. લોકોને મુશ્કેલી પડી રહી છે. આથી આ બંધ થયેલ કામગીરી શરૂ કરવા માંગણી કરવામાં આવી છે. જો વ્હેલીતકે આ કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો આંદોલનની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.