રાજ્યમાં અત્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. તો બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી વી.સતિષ પણ ગુજરાત આવ્યા છે. વિધાનસભા ચૂંટણીને દોઢ વર્ષ જેટલો સમય હજુ બાકી છે ત્યારે ગુજરાતની ભાજપ સરકાર અને ભાજપના સંગઠન વચ્ચે સંકલન નહીં હોવાની સ્થિતિના કારણે અમિત શાહ નારાજ હોવાનું સામે આવ્યું છે. સિંધુભવન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ પૂર્ણ કરીને તુરંત અમિત શાહ સીધા જ સર્કિટ હાઉસ જવા રવાના થયા હતા અને બેઠકોનો દોર જામ્યો હતો.
વિશ્વસનીય સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ અમિત શાહે મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલ સાથે બંધ બારણે બેઠક કરી હતી જ્યારે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં સંગઠન દ્વારા કરવામાં આવેલી કામગીરીના 2 પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યા હતા. કોરોના કાળ દરમિયાન કરવામાં આવેલી કામગીરીનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. આ સિવાય સી.આર.પાટીલ સાથે એકાંતમાં પણ બેઠક યોજી હતી. જેમાં આગામી ચૂંટણીને લઈને ચર્ચા કરવામાં આવી હતી અને તેની શું તૈયારીઓ છે તેના પર પણ ચર્ચા કરવામાં આવી છે. આ સિવાય એક બાબત એ પણ સામે આવી રહી છે કે શહેરી મતદાર એ ભાજપનો મતદાર માનવામાં આવે છે પણ કોરોના કાળમાં ભાજપની આબરૂને ફટકો પડયો છે. એવામાં એક્શન પ્લાન પર ચર્ચા કરવામાં આવી છે.
અહીં નોંધવું ઘટે કે, અમિત શાહ સમક્ષ સંગઠન સરકાર સાથે સંકલન રાખીને નથી ચાલી રહ્યું તેવી ફરિયાદ ઉઠી હતી. સંગઠન પોતાના મનસ્વી રીતે વર્તી રહ્યું છે જેથી સરકારની પણ આબરૂ ઘટી રહી છે અને છાંટા ઉડે એવી કામગીરી થઈ રહી છે તેવી વાતથી નારાજ અમિત શાહ દ્વારા પાટીલને આ અંગે ઠપકો પણ મળ્યો હોવાનું કહે છે. તો બીજી તરફ અધિકારીઓ સાથે પણ બેઠક યોજી હતી જેમાં મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી હાજર રહ્યા હતા. તો એ સિવાય રાજ્યમાં જેની પાસે કોરોનાની બીજી લહેર દરમિયાન કોરોનાને લગતી જવાબદારીઓ હતી તે તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા. જેમાં રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમ, કે કૈલાશનાથન, વિજય નહેરા, પંકજ કુમાર, રાજીવ ગુપ્તા સરકાર દ્વારા તમામ સંભવ મદદ કરવામાં આવી હતી પરંતુ વહીવટી પાંખની અણઆવડત કહો કે અવ્યવસ્થા કહો જેનાં કારણે લોકો હેરાન થયા અને આબરૂનું ધોવાણ થયું છે જેથી આ તમામ અધિકારીઓ સાથે અમિત શાહે સીધી વાત કરી હતી.
તો બીજી બાજુ દિલ્હીથી આવેલા ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી વી.સતિષે પણ સવારથી કમલમ ખાતે પ્રદેશના નેતાઓ સાથે બેઠકોનો દોર શરૂ કર્યો હતો. હાલ વી.સતિષ પાસે ગુજરાતની કોઈ જવાબદારી ન હોવા છતાં તેમની આ મુલાકાત અનેક સંકેતો આપી રહી છે. ભાજપના રાષ્ટ્રીય નેતાઓ અને સ્થાનિક નેતાઓ, આગેવાનો વચ્ચે છેલ્લા બે દિવસથી ચાલી રહેલી બેઠકોથી ભાજપના કાર્યકરોમાં ચર્ચાનો વિષય બની ગયો છે. દરમિયાન અમિત શાહે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સાથે પણ બેઠક કરી હોવાની વાતથી ભાજપમાં ચર્ચાઓ તેજ બની ગઈ હતી. ખાસ કરીને અને હાલમાં ‘આપ’ના આગમન તથા પાટીદાર ફેક્ટરના મામલે અમિત શાહ અને નીતિન પટેલ વચ્ચની ચર્ચા બહુ મહત્ત્વની પૂરવાર થઈ શકે છે. આ ઉપરાંત અમિત શાહની ગુજરાતના રાજ્યપાલ સાથેની સૌજન્ય મુલાકાતને રાજકીય વર્તુળોમાં ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે. આ સાથે જ રાજકીય હલચલ શરૂ થઈ ગઈ છે તેમજ આ બેઠકોના દોરને લઈ રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચા થવા લાગી છે.