તા. 21 જુનને વિશ્વ યોગ દિને સમગ્ર દેશમાં કોરોના વેકસિનેશન અભિયાનને વધુ સઘન બનાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દરેક નાગરિકને નિ:શુલ્ક રસી આપવા માટેનો નિર્ધાર કરવામાં આવ્યો છે. જેના પરિણામે ગઈકાલે રાજ્યકક્ષાએથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા સ્થિત નગરપાલિકા હોલ ખાતેથી અન્ન અને નાગરિક પુરવઠા તથા કુટીર ઉદ્યોગ મંત્રી જયેશભાઈ રાદડીયા દ્વારા આ વેકિસનેશન મહા અભિયાનનો આરંભ કરવામાં આવ્યો હતો.
આ તકે મંત્રી જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક પણ નાગરિક વેક્સિન વિના ન રહે અને લોકોનું આરોગ્ય સારૂ જળવાઈ રહે તે માટે આ કોવિડ વેક્સિનેશન મહા અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે. મંત્રીએ છેવાડાનો માનવી પણ રસી મેળવે અને સુરક્ષિત રહે તે માટે જિલ્લા આરોગ્ય વિભાગ મારફતે રાજ્ય સરકાર દ્વારા ડોર ટુ ડોર સર્વેલન્સ થકી રસીકરણની કામગીરી કરવામાં આવી રહી છે. કોરોનાની રસી મેળવવા માટે 18 થી 44 વય જૂથના લોકો સ્થળ પર જઈને સીધા રસી મેળવી શકે તે માટે આજથી ઓફલાઈન રજીસ્ટ્રેશનની સુવિધા શરૂ કરવામાં આવી છે તેમ જણાવ્યું હતું.
વધુમાં તેમણે વિશ્વ યોગ દિવસ નિમિતે આપણે યોગ દ્વારા શારીરિક અને માનસિક રીતે સ્વચ્છ રહીએ તેમ જણાવી લોકોનું આરોગ્ય સારૂ જાળવાઈ રહે તે માટે દ્વારાધીશને પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ જ્યોતિબેન સામાણી, નગરપાલિકા સભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, ભાજપ જિલ્લા સંગઠન ઉપપ્રમુખ નયનાબા, દ્વારકા તાલુકા વિકાસ અધિકારી કેશવાલા, આયુષ મેડિકલ ઓફિસર ડો. મનિષ કામોઠી સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.