ઇન્ફર્મેશન ટેકનોલોજીનાં નવા નિયમોને સોશિયલ મિડિયાનાં સામાન્ય યુઝર્સને સશક્ત બનાવવા માટેનાં ગણાવતાં ભારતે રવિવારે સંયુક્ત રાષ્ટ્રની માનવ અધિકાર સમિતિ દ્વારા ઉભી કરાયેલી ચિંતાઓને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે વિવિધ હિતધારકો સાથે વિસ્તૃત વિચાર-વિમર્શ કર્યા પછી નવા નિયમો નક્કી કરવામાં આવ્યા છે.
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ ભારત સરકારના આ નવા આઈટી નિયમો અનેગ ચિંતા કરી હતી. રવિવારે 20 જૂને ભારતે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી ચિંતાઓને ફગાવીને યોગ્ય જવાબ આપ્યો છે.
ભારત સરકારના નવા આઈટી નિયમો અંગે ચિંતા વ્યક્ત કરતા સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદએ ભારત સરકારને પત્ર લખ્યો હતો, UNHRCની વિશેષ શાખાએ 11 જૂને ભારત સરકારના નવા આઇટી નિયમોની કેટલીક જોગવાઈઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી, અને આક્ષેપ કર્યો હતો કે તેઓ આંતરરાષ્ટ્રીય કાયદાઓ અનુસાર નથી. આ કાયદાઓ નાગરિક અને રાજકીય અધિકારો પરની આંતરરાષ્ટ્રીય સંધિ દ્વારા માન્યતાના ગુપ્તતાના અધિકાર અને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના ધોરણોને અનુરૂપ નથી.
UNHRCની વિશેષ શાખાએ કહ્યું હતું, અમને ચિંતા છે કે ભારત સરકારના નવા આઈટી નિયમો સત્તાધિકારીઓને એ પત્રકારોને સેન્સર કરવાની શક્તિ આપી શકે છે જેઓ લોકોના હિતની માહિતીને બહાર લાવે છે અને સરકારને જવાબદાર ઠેરવવાના પ્રયાસમાં માનવાધિકાર ઉલ્લંઘનની ઘટનાઓને આગળ લાવે છે.
નવા આઈટી નિયમો અંગે સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા રવિવારે એક સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું. મંત્રાલયે જારી કરેલા એક સત્તાવાર નિવેદન અનુસાર,સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદની વિશેષ કાર્યવાહી શાખાના પત્રના જવાબમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી મિશને કહ્યું હતું કે ભારતની લોકશાહીને સારી ઓળખ પ્રાપ્ત છે.
મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય બંધારણ હેઠળ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના હકની ખાતરી આપવામાં આવે છે. એક સ્વતંત્ર ન્યાયતંત્ર અને એક મજબૂત મીડિયા ભારતના લોકશાહી સ્થાપનાનો ભાગ છે.
UNHRCના પત્રના વળતા જવાબમાં ભારત સરકારે કહ્યું કે નવા આઈટી નિયમો સોશિયલ મીડિયા-આઈટીના સામાન્ય યુઝર્સને સશક્ત બનાવાનારા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મના દુરૂપયોગનો ભોગ બનેલા લોકો પાસે તેમની ફરિયાદો દૂર કરવા માટે એક પ્લેટફોર્મ હશે. આ નવા નિયમોનો નિર્ણય વિવિધ હિતધારકો સાથેની વિગતવાર સલાહ બાદ લેવામાં આવ્યો છે.
સરકારે કહ્યું કે સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના દુરૂપયોગના વધતા જતા કેસોને કારણે વ્યાપક ચિંતાઓને કારણે નવા આઇટી નિયમો રજૂ કરવા જરૂરી છે. દુરૂપયોગની આ ઘટનાઓમાં આતંકવાદીઓને ભરતી કરવાની પ્રેરણા, અશ્લીલ સામગ્રીનો ફેલાવો, દુશ્મનાવટ ફેલાવવી, નાણાકીય છેતરપિંડી, હિંસા કરવી, ઉપદ્રવ કરવા માટે ઉશ્કેરવું વગેરે સામેલ છે.