Sunday, December 22, 2024
Homeરાજ્યકાલાવડના મોટા પાંચદેવડામાં ત્રણ ઈંચ વરસાદ ખાબકયો

કાલાવડના મોટા પાંચદેવડામાં ત્રણ ઈંચ વરસાદ ખાબકયો

કાલાવડમાં બે ઈંચ : નિકાવા-મોટાવડાળામાં સવા-સવા ઈંચ : જામનગર શહેરમાં ઝરમર-ઝરમર વરસાદ

- Advertisement -

રાજયમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી વરસાદની આગાહી મહદ અંશે સાચી પડી છે. આજે જામનગર શહેર સહિત સમગ્ર જિલ્લામાં સામાન્ય ઝાંપટાથી ત્રણ ઇંચ જેટલું પાણી વરસ્યું હતું. જેમાં ગુરૂવારે સાંજે કાલાવડ પંથકમાં વાવણી લાયક વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ મોટા પાંચદેવડામાં ત્રણ ઇંચ અને કાલાવડમાં બે ઇંચ વરસાદ વરસ્યો છે. જયારે જામનગર શહેરમાં બે દિવસથી રહેલાં વાદડીયા હવામાન વચ્ચે આજે સવારે ઝરમર વરસાદ પડયો હતો.
જામનગર સહિત સમગ્ર જિલ્લામાં છેલ્લાં બે-ત્રણ દિવસથી વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને પલ્ટાયેલા વાતાવરણ વચ્ચે ગુરૂવારે સાંજથી હવામાન વિભાગની આગાહી મુજબ મેઘરાજાની એન્ટ્રી થઈ ગઇ હતી. જેમાં કાલાવડ પંથકના દોઢથી ત્રણ ઈંચ જેટલું પાણી વરસ્યું હતું. જેના કારણે મુખ્ય માર્ગો અને ખેતરોમાં પાણી ફરી વળ્યા હતાં. કાલાવડમાં ગઈકાલે સાંજે તેજ પવન સાથે ધીમી ધારે શરૂ થયેલા મેઘાએ બે ઈંચ જેટલું પાણી વરસાવ્યું હતું. જેના કારણે મુખ્ય માર્ગો પાણી-પાણી થઈ ગયા હતાં અને ગ્રામ્ય વિસ્તારમાં મોટાં પાંચદેવડામાં સૌથી વધુ ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો તેમજ મોટાવડાળા-નિકાવા-ભ.બેરાજામાં સવા-સવા ઈંચ વરસાદ પડયાના અહેવાલ છે.
જ્યારે ખરેડી-નવાગામમાં પોણો-પોણો ઈંચ અને ધ્રોલ-મોટીબાણુંગાર-હડિયાણા-ફલ્લા-જામવણથલીમાં ઝાપટાંરૂપે અડધો-અડધો ઈંચ પાણી પડયું હતું. તેમજ જોડિયા-બાલંભામાં સામાન્ય ઝાપટાં પડયા હતાં. ગ્રામ્ય વિસ્તારમાં મેઘાની સવારી આવી પહોંચતા ખેડૂતોમાં આનંદની લાગણી અનુભવાઈ હતી. જ્યારે જામનગર શહેરમાં આજે સવારથી જ મેઘાવી માહોલ વચ્ચે ઝરમર-ઝરમર વરસાદની શરૂઆત થઈ હતી. જેનાથી શહેરના માર્ગો ભીના થઈ ગયા હતાં અને છેલ્લાં એક સપ્તાહથી અનુભવાતા અસહ્ય બફારામાં થોડીઘણી રાહત મળી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular