જામનગરના વોર્ડ નં. 1માં પીવાના પાણીની સમસ્યા અંગે કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. સામાજિક કાર્યકર દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં આ વિસ્તારમાં બિન આરોગ્યપ્રદ પાણી આપવામાં આવતું હોવાની ફરિયાદ કરવામાં આવી છે. જે પાણી આપવામાં આવે છે તે પણ ત્રણ કે ચાર દિવસે એક વખત આપવામાં આવે છે. સમસ્યાનો ઉકેલ નહીં આવે તો રેલી યોજવાની પણ ચેતવણી આપવામાં આવી છે.
રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, વોર્ડ નં. 1ના તમામ વિસ્તારોમાં મ્યુનિ. દ્વારા નળથી પીવાનું પાણી આપવામાં આવે છે તે અનિયમિત છે. ત્રણ કે ચાર દિવસે પાણી અપાય છે. તે પણ ફકત 30 થી 35 મિનિટ જ પાણી આપવામાં આવે છે. પ્રથમ પાણી ડહોળુ આવે છે. પાણીનો ફોર્સ ઓછો હોય છે. તેથી લોકોને પુરતુ પાણી મળતું નથી. પરિણામે લોકો ખૂબ જ હેરાન-પરેશાન થાય છે. આ સ્થિતિ છેલ્લા ચારેક મહિનાથી છે. સામાજિક તથા પૂર્વ કોર્પોરેટર દ્વારા આ બાબતે મ્યુનિ. તંત્રને અવાર-નવાર લેખિત, મૌખિક અને રુબરુ રજૂઆતો કરેલ છે. છતાંય કોઇ જ ઉકેલ આવતો નથી.

આ વોર્ડ અને વિસ્તાર જામનગરના છેવાડે છે તેથી ફોર્સથી પાણી આપવું જોઇએ, આ વોર્ડ દરિયાના કાંઠે હોવાથી જમીનમાં ખારાશ છે તેથી બોર, કૂવા કે ડંકી થઇ શકતા નથી એટલે માત્ર નળના પાણી ઉપર જ આધાર રાખવો પડે છે. હાલ ઉનાળો છે. ભયંકર તડકો અને ગરમી પડે છે. લોકોને ન્હાવા, કપડા ધોવા વગેરે માટે પાણીની ખૂબ જ જરુર પડે છે. પરંતુ નળ વાટે પુરતુ પાણી અપાતું ન હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અમુક છેવાડાના વિસ્તારમાં પાણી મળતું નથી જેથી એરિયાવાઇઝ વાલ બેસાડવામાં આવે તો પુરતુ પાણી મળે અને જ્યાં પાણી નથી મળતું તે એરિયા આ મુજબ છે. માધાપર ભુંગા, પાછળનો વિસ્તાર, કોળી વિસ્તાર, જોડિયાભુંગા વિસ્તાર, કબ્રસ્તાન વિસ્તાર, ભડાલાપાડો, બેડી વિસ્તાર, ખારી વિસ્તાર, ઓસમાણભાઇ વેલ્ડિંગવાળાના ઘરથી ઇકબાલ ચોક વિસ્તાર તેમજ બેડીના અન્ય વિસ્તારમાં પાણી મળતુ નથી, ગરીબનગર પાણાખાણ, બેડેશ્ર્વર કાપડમીલ ચાલી, હાડકાનું કારખાનુ, એકડે એક વિસ્તાર, ધરારનગર-1, વૈશાલિનગર, હાઉસિંગની ચાલી તેમજ છેવાડાના વિસ્તારમાં પાણીની સમસ્યા છેલ્લા ત્રણ થી ચાર મહિનાથી છે.
જામનગરના અન્ય વોર્ડોમાં એકાંતરા, એક કલાક અને પુરતા ફોર્સથી પાણી અપાય છે. એવી રીતે જ આ વોર્ડમાં પાણી આપવું જોઇએ તેવી લોકોની લાગણી અને માંગણી છે. અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, અન્ય વોર્ડોમાં ચોક્કસ ટાઇમે પાણી અપાય છે તેમ આ વોર્ડમાં પણ ચોક્કસ ટાઇમે પાણી આપવું જોઇએ. જેથી લોકો નોકરી, ધંધે, કામે જઇ શકે અને પાણીના ટાઇમે હાજર રહી શકે. આ અંગે સામાજિક કાર્યકર અનવર સંઘારે મ્યુ. કમિશનર સતિષ પટેલ, મેયર બીનાબેન કોઠારી, સ્ટે. ચેરમેન મનિષ કટારીયા, 78-ધારાસભ્ય-મંત્રી હકુભા જાડેજા, 77-ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ, વિરોધપક્ષના નેતા અલ્તાફભાઇ ખફી, વિરોધપક્ષના નેતા, ગાંધીનગરને પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવી છે.


