ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા રેમડેસિવિર ઇન્જેક્શનની સંગ્રહખોરી કરવા મામલે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઇ હતી. અરજી પર સરકારે રિપોર્ટ રજૂ કર્યો હતો. રિપોર્ટમાં સરકારે સી. આર પાટીલને ક્લીનચીટ આપી છે. જ્યારે હાઇકોર્ટે સી.આર પાટીલને એક સપ્તાહમાં જવાબ રજૂ કરવા અલ્ટિમેટમ આપ્યું છે. હાઇકોર્ટે અગાઉ પણ સી.આર.પાટીલને જવાબ રજૂ કરવા આદેશ કરવા છતાં જવાબ રજૂ કર્યા નથી.
વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ હાઇકોર્ટમાં સી.આર પાટીલ અને હર્ષ સંઘવી સામે રેમડેસિવિર ઇન્જેક્શનના સંગ્રહખોરી કરવા મામલે અરજી કરી હતી. તેની સુનાવણી દરમિયાન સરકારે રિપોર્ટ રજૂ કર્યો છે, જ્યારે હર્ષ સંઘવીએ જવાબ રજૂ કર્યો છે, પરતું સી.આર પાટીલે જવાબ રજૂ નહીં કરતા હાઇકોર્ટે પાટીલને એક સપ્તાહમાં જવાબ રજૂ કરવા અલ્ટિમેટમ આપ્યું છે. સરકારે તેના જવાબમાં એવી રજૂઆત કરી હતી કે, પાટીલ અને સંઘવી દ્વારા ઇન્જેક્શન વહેંચવાના મામલે થયેલી તપાસમાં સુરતના ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ 1940 હેઠળ કોઇ જોગવાઇનો ભંગ થયો નથી.
કતારગામના ધારાસભ્યની પૂછપરછને આધારે સરકારે રિપોર્ટ તૈયાર કરીને કોર્ટ સમક્ષ મૂક્યો હતો, છતાં પણ હજુ તપાસ ચાલી રહી છે. કોર્ટમાં રજૂ કરેલા તપાસ અહેવાલમાં એવી વિગતો રજૂ કરાઈ છે કે, જેટલા લોકોની તપાસ કરાઈ છે તે તમામમાં ઇન્જેક્શનનો કોઇ સંગ્રહખોરી કે કાળાબજાર કરાયા હોવાનું બહાર આવ્યું નથી. જ્યારે હર્ષ સંઘવીએ રજૂ કરેલા જવાબમાં એવી રજૂઆત કરાઇ છેકે, આ કાંડ નથી રાજકીય પક્ષ દ્વારા પ્રેરિત છે અને પ્રસિદ્ધી માટે કરાયેલું ષડયંત્ર છે.
રેમડેસિવિરના ઇન્જેક્શનની અછત વર્તાઇ રહી હતી ત્યારે સી.આર પાટીલ અમદાવાદથી રેમડેસિવિરના ઇન્જેકશનનો જથ્થો સુરત લઇ ગયા હતા અને ભાજપની ઓફિસમાં તેની ગેરકાયદે વહેંચણી કરવામાં આવી હતી. આ સમગ્ર કાંડ દરમિયાન પરેશ ધાનાણીએ હાઇકોર્ટમાં હર્ષ સંઘવી અને સી.આર પાટીલ સામે પગલાં લેવા હાઇકોર્ટમાં અરજી કરી હતી.