જામનગર મહાનગર બન્યાને 40 વર્ષ થઇ ગયા પણ હજુ મહાનગરનો અહેસાસ થતો નથી. વિકાસ માટે કરોડો-અબજોનું ભંડોળ ખર્ચાયુ હોવા છતાં આજે પણ એક મોટા ગામડાંની જ ફિલીંગ આવી રહી છે. પ્રયાસો અપર્યાપ્ત અને અધુરા સાબિત થઇ રહ્યા છે. વિકાસ માટેની રાજકીય અને વહિવટી ઇચ્છા શકિતનો અભાવ જોવા મળી રહ્યો છે.કોઇપણ મહાનગરના વિકાસમાં મ્યુનિ. કમિશનરની ભૂમિકા ખૂબજ મહત્વની હોય છે. બીપીએમસી એકટ અંતર્ગત કમિશનરને વિશાળ વહિવટી સત્તાઓ આપવામાં આવી છે. ત્યારે આ સત્તાઓનો ઉપયોગ જે-તે કમિશનર ઉપર નિર્ભર કરે છે. તેની કાર્યશૈલી, વિઝન, નિર્ણયશકિત નૈતિકતા, નિષ્ઠા, અને સૌથી મહત્વનું રાજકીય પ્રેસર, ચંચુપાત હેન્ડલ કરવાની આવડત શહેરને વિકાસની એક નવી જ દિશા આપી શકે છે. એસ.આર. રાવ અને જગદીશન આના શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ એવા કમિશનરો હતા. જેમણે સુરત અને રાજકોટ શહેરની આખે આખી સિકલ જ બદલી નાખી. આજે આપ જે સુરત અને રાજકોટ શહેરને જોઇ રહ્યા છો તેના પાયાના ચણતરમાં આ બે કમિશનરોની ભૂમિકા ખૂબજ અગત્યની રહી છે આજે જામનગર શહેરને પણ જરૂર છે એસ.આર. રાવ અને જગદીશન જેવા કમિશનરની. જરૂર છે, એવા કમિશનરની કે જે કોઇની પણ શેહમાં આવ્યા વગર હિંમત પૂર્વકના નિર્ણયો લઇ શકે એટલું જ નહીં આગળ આવીને તેની અમલવારી પણ કરાવી શકે જરૂર છે. એવા કમિશનરની જે રાજકીય કઠપૂતળી ન બની રહે. કહ્યાગરા નહીં પરંતુ ઇનિસીએટીવ લઇને કામ કરનારા કમિશનરની જામનગરને જરૂર છે.જામનગરના કમભાગ્ય કહો કે, છેલ્લા ઘણાં વર્ષોથી જામનગરને આવા કહ્યાગરા કમિશનરો જ મળ્યા છે કે બેસાડવામાં આવ્યા છે ! જેમણે માત્ર રૂટિન વહિવટી ગાડું ગબડાવીને અહીં સમય જ પસાર કર્યો છે. વચ્ચે-વચ્ચે જેમણે પણ થોડી હિંમત દર્શાવવાનો પ્રયાસ કર્યો તેમની પાંખો કાપી નાખવામાં આવી અથવા તો તેમને બદલી નાખવામાં આવ્યા.1994માં સુરતમાં પ્લેગની મહામારી દરમ્યાન તત્કાલિન કમિશનર એસ.આર. રાવે જે કામગીરી કરી તે આજે એક મિશાલ બની ગઇ છે. તેમણે સુરતને આ મહામારીમાંથી બહાર કાઢયું એટલું જ નહીં ભારતના સૌથી સ્વચ્છ અને ગ્રીન શહેરોમાં સ્થાન અપાવ્યું પ્લેગ બાદ રાવે સુરતની આખી સિકલ જ બદલી નાખી સુરતીલાલાઓ આજે પણ રાવને ખૂબ સન્માન આપે છે અને તેમના આભારી છે બાદમાં રાવને 1998માં તેમની કામગીરી બદલ પદ્યશ્રી એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા.આવું જ કંઇક રાજકોટમાં કરી દેખાડયું હતું કમિશનર જગદીશને, રાજકીય, દબાણ છતાં તેમણે ભૂ-માફિયાઓને ભરી પીધા હતા. માત્ર 18 મહિનાના કાર્યકાળમાં તેમણે અનેક રાજકીય માફિયાઓ સામે કાર્યવાહી કરી અપાર લોકચાહના મેળવી હતી. તેઓ કોમનેમેનના પક્ષમાં રહયા. કોઇ પક્ષની પરવાહ નહોતી કરી. તેમણે શરૂ કરેલી દબાણ દૂર કરવાની ઝુંબેશમાં અનેક મોટામાથાઓ હડફેટે ચઢી ગયા હતા. જગદીશનને દબાવવામાં અનેક પ્રયાસો થયા પણ તેઓ અડગ રહ્યા. આખરે તત્કાલિન સરકારે તેમની સામે બદલીનાં અંતિમ શસ્ત્રનો ઉપયોગ કર્યો હતો લોકો તેના સમર્થનમાં આવી ગયા અને તોફાનો ફાટી નિકળ્યા હતા. આ અભૂતપૂર્વ હતું કેમ કે, તેમની કામગીરી નિષ્ઠાપૂર્વકની હતી. આજે રાજકોટમાં જગદીશનના નામનો એક માર્ગ પણ છે. આજે રાજકોટ કયાં છે અને જામનગર કયાં છે તફાવત આપને સ્પષ્ટ જણાઇ આવશે. બીજી તરફ જામનગરમાં દબાણકારો તરફ જોવાની કોઇ હિંમત પણ દર્શાવતું નથી. જલારામનગર જેવા ઇશ્યુમાં કોઇ હાથ નાખતું નથી ! જામનગરને અન્ય મહાનગરોની હરોળમાં લાવવા અને ખરા અર્થમાં મહાનગર બનાવવા જરૂર છે આવા જ કોઇ માથા ફરેલા પરંતુ વિઝનરી અને વિકાસશિલ કમિશનરની તાજેતરમાં હાલના કમિશનર સતિષ પટેલની માંગણી મુજબ બદલી કરવામાં આવી છે. હજુ કોઇ નવી નિમણુંક કરવામાં આવી નથી ત્યારે રાજકીય હિતોને કોરાણે મૂકી શહેરના હિતને ધ્યાનમાં રાખી કોઇ એવા કમિશનર મૂકવામાં આવે જે જામનગરને રાજકોટ-સુરતની જેમ વિકાસની રાહ ચિંધી શકે.છેલ્લે…. અશ્ર્વિનીકુમાર જયારે જામનગરના કમિશનર હતા ત્યારે તેમણે શહેરના સ્થાપના દિવસ પ્રસંગે મુલાકાતમાં કહેલૂં ‘જામનગર શહેર વિકસવા માટે જરૂર કરતાં વધુ સમય લઇ રહ્યું છે.’