જામજોધપુરમાં સ્ટેશન પ્લોટ વિસ્તારમાં રહેતાં ખેતી કરતાં વૃધ્ધ તેના બાઈક પર જતાં હતાં તે દરમિયાન ધ્રાફા ફાટક પાસે એકાએક ચકકર આવતાં પડી જવાથી ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામજોધપુરમાં સ્ટેશન પ્લોટ વિસ્તારમાં રહેતા અને ખેતી કરતા જેન્તીભાઈ ધરમશીભાઈ સાપરિયા (ઉ.વ.70) નામના પટેલ વૃધ્ધ સોમવારે સવારના સમયે તેના જીજે-10-ડીએચ-1751 નંબરના બાઈક પર તેની વાડીએ જતાં હતાં તે દરમિયાન ધ્રાફા ફાટક પાસે પહોંચ્યા ત્યારે બ્લડપ્રેશરની બીમારીના કારણે એકાએક ચકકર આવતા બાઈક પરનો કાબુ ગુમાવી દેતા પડી ગયા હતાં. તેના કારણે વૃધ્ધને માથામાં ડાબી બાજુ અને પાછળના ભાગે ગંભીર ઈજા પહોંચતા બેશુધ્ધ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના ભાઈ ધીરજભાઈ દ્વારા જાણ કરાતા હેકો એ.બી. જાડેજા તથા સ્ટાફે મૃતદેહન કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બ્લડપ્રેશરના કારણે બાઈક ઉપરથી પડી જતા વૃધ્ધનું મોત
જામજોધપુરમાં ધ્રાફા ફાટક નજીક સોમવારે અકસ્માત : માથામાં ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મૃત્યુ