જામનગર શહેરમાં ધરારનગર વિસ્તારમાં રહેતી પરિણીત યુવતીએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ફિનાઈલ પી લેતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં બનાવ અંગે પોલીસે યુવતીના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ધરારનગર-1 માં રામ મંદિર પાસે રહેતી હુરબાઈએ ઘરે ફિનાઈલ પીતાં તેને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે તે પરિણીત છે અને તેના પિતા અબ્દુલભાઇ પણ તે જ વિસ્તારમાં રહે છે. અબ્દુલભાઈએ પોતાના પાડોશી પાસેથી ત્રણ વર્ષ પહેલાં બે લાખની રકમ વ્યાજે લીધેલી હતી. જેના લાંબા સમયથી લોકડાઉન દરમિયાન રાક્ષસી વ્યાજ ભરી દીધું હોવા છતાં પાડોશીઓ દ્વારા સમગ્ર પરિવારને ત્રાસ આપી મારકૂટ કરાતી હતી. હુરબાઇ તેણીના પિતાને ઘેર આવી ત્યારે તેને પણ ત્રાસ અપાતો હોવાના કારણે કંટાળી જઈ ફિનાઈલ પી લીધું હતું. સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે અને સિટી બી ડિવિઝન પોલીસ આ મામલે ઉંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે. અબ્દુલભાઈના ઘર પર અગાઉ પણ પાડોશીઓ દ્વારા પૈસા કઢાવવાના મામલે હુમલો કરાયાનું પોલીસવડાને કરાયેલી અરજી ઉલ્લેખ કરાયો છે.
જામનગરમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવતીએ ફિનાઈલ ગટગટાવ્યું
સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ : પોલીસવડાને કરેલી અરજીના આધારે તપાસ