કેરળના કેટલાક વિસ્તારોમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદ થઈ રહ્યો છે. આ જોતાં ખાનગી હવામાન એજન્સી સ્કાઇમેટે રવિવારે બપોરે ચોમાસું કેરળ પહોંચવાની જાહેરાત કરી હતી. જોકે હવામાન વિભાગે કહ્યું હતું, ચોમાસું હજુ ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ્યું નથી. કાંઠા વિસ્તારોમાં થઈ રહેલો વરસાદ ચોમાસા પહેલાંનો છે. ભારતીય ચોમાસું 3 જૂને કેરળના કાંઠે પહોંચી શકે છે. દેશના બીજા વિસ્તારો અંગે હવામાન વિભાગનું કહેવું છે કે ચોમાસું નક્કી તારીખથી બે-ચાર દિવસ આગળ-પાછળ ભારત પહોંચી શકે છે. કેરળમાં સામાન્ય રીતે પહેલી જૂને વિધિવત રીતે પ્રવેશે છે.
આ વખતે સ્કાઇમેટે 30 મેના રોજ કેરળમાં ચોમાસું પહોંચવાનું અનુમાન કર્યું હતું, જ્યારે હવામાન વિભાગે 31 મેનું પૂર્વાનુમાન કર્યું હતું. આંદામાન-નિકોબાર દ્વીપસમૂહમાં 21 મેએ ચોમાસું પહોંચી ચૂક્યું હતું. ત્યાર પછી બંગાળની ખાડી અને હિંદ મહાસાગરમાં એ સામાન્ય ગતિએ આગળ વધ્યું હતું, જોકે શ્રીલંકાના બે તૃતીયાંશ અને માલદિવ્સને કવર કર્યા પછી ત્રણ-ચાર દિવસથી ચોમાસું એક જ વિસ્તારમાં રોકાઈ ગયું છે.
હવામાન વિભાગનું કહેવું છે કે ચોમાસા માટે 3 જૂને જ તમામ સ્થિતિ અનુકૂળ બનશે, ત્યારે જ ચોમાસું કેરળના કાંઠા વિસ્તારોમાં પ્રવેશશે. એક ઉચ્ચ અધિકારીના મતે, 10 મે પછી તાઉતે વાવાઝોડું અરબી સમુદ્રમાંથી પસાર થયું, ત્યારે કેરળ, લક્ષદ્વીપ, કર્ણાટકના કાંઠા વિસ્તારોમાં 2.5 મિ.મી.થી 100-150 ગણો વધુ (20-30 સે.મી.) વરસાદ નોંધાયો હતો. રેડિયેશન ઘણું નીચે આવી ગયું હતું, ત્યારે શું અમારે કેરળમાં ચોમાસું આવી ગયાની જાહેરાત કરી દેવી જોઈએ? ના, કારણ કે અમે હવામાન વિભાગના નક્કી માપદંડનું ઉલ્લંઘન ના કરી શકીએ. તાઉતે વખતે પવનની દિશા વારંવાર બદલાય છે. એ વાત સાચી છે કે આ વખતે કેરળ અને કર્ણાટકમાં ચોમાસા પહેલાંનો વરસાદ ઘણો થઈ ચૂક્યો છે, પરંતુ એતેમાં હાલ ઘટાડો થયો છે, એટલે ચોમાસાના જરૂરી માપદંડો પૂરા થવાની રાહ જોવી પડે.
સ્કાઇમેટના વાઈસ- પ્રેસિડેન્ટ મહેશ પલાવતે કહ્યું હતું કે ભારતીય ચોમાસાના તમામ માપદંડ પૂરા થઈ ચૂક્યા છે. આ માપદંડો આ પ્રમાણે છે: પહેલો- કેરળ, લક્ષદ્વીપ, કર્ણાટકનાં 14 હવામાન કેન્દ્રોમાંથી 60%માં 10 મે પછી બે દિવસ સુધી 2.5 મિ.મી.થી વધુ વરસાદ નોંધાય. બીજો- ત્યાં જમીનની સપાટીથી ત્રણ-ચાર કિ.મી. સુધી પશ્ચિમી પવન ફૂંકાવા લાગે. ત્રીજો- જમીનની સપાટીથી હવાની ગતિ આશરે 30-35 કિ.મી. પ્રતિ કલાક સુધી રહે. ચોથો- વાદળોનું કદ એટલું મોટું હોય કે જમીનથી આકાશ તરફ જતું રેડિયેશન 200 વોટ પ્રતિ ચોરસમીટરથી ઓછું થઈ જાય. આ સ્થિતિ હોય ત્યારે એવું મનાય છે કે ચોમાસું ભારતમાં આવી ગયું છે.