તાઉ-તે વાવાઝોડાની જામનગર જિલ્લામાં નહીવત અસર જોવા મળેલ તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગમચેતીના ભાગરૂપે હાથ ધરવામાં આવેલ વિવિધ સુચારૂ વ્યવસ્થાઓના કારણે સમગ્ર જિલ્લામાં જાનમાલની કોઈ ગંભીર નુકસાની નોંધાયેલ નથી. તેમ છતાં વાવાઝોડાની અસરના કારણે પવનની ગતિમાં વધારો નોંધાયેલ હતો, જેના કારણે જામનગર જિલ્લાના 180 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયેલ તેમજ 260 જેટલા વિજ થાંભલાઓ તથા 250 વિજ ફિડરને નુકસાન થયું હતું. પરંતુ વાવાઝોડા સંદર્ભે કોઈ પણ સ્થિતિનો સામનો કરવા જિલ્લા કલેકટર રવિશંકરની આગેવાની તથા પીજીવીસીએલના અધિક્ષક ઈજનેર સી.કે.પટેલના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવેલ 62 ક્વિક રીસ્પોન્સ ટીમોએ માત્ર 18 કલાકના ટૂંકા ગાળામાં જ તમામ ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરી પ્રશંસનીય કામગીરી બજાવી છે.
આ અંગે વધુ વિગતો આપતા પીજીવીસીએલના અધિક્ષક ઈજનેર સી.કે.પટેલે જણાવ્યું હતું કે, વાવાઝોડાના કારણે જામનગર જિલ્લાના 180 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો હતો તેમજ 260 તથા 250 જેટલા વિજ ફિડરો ક્ષતિગ્રસ્ત થયેલ હતા. ત્યારે આગોતરા આયોજન મુજબ પીજીવીસીએલ દ્વારા તૈયાર કરવામાં આવેલ 62 ક્વિક રીસ્પોન્સ ટીમો યુદ્ધના ધોરણે ઉપરોક્ત તમામ સ્થળોએ વિષમ પરિસ્થિતિમાં પણ કામે લાગી હતી અને વીજપુરવઠો કાર્યરત કરવાની કામગીરી હાથ ધરી હતી અને તા.18 રાત્રે 09:00 કલાક સુધીમાં એટલે કે માત્ર 18 કલાકના ટૂંકા ગાળામાં જ તમામ 180 ગામોમાં વીજપુરવઠો પુન: કાર્યરત કરવામાં સફળ રહી હતી.