ભારે પવન, બેફામ વરસાદને કારણે ગુજરાતના અર્થતંત્રને નોંધપાત્ર નુકસાની પહોંચી છે. રાજયમાં કેરીના પાકને મોટી અસર થઇ છે. બીજીબાજુ લાખો ટન મીઠું દરિયામાં વહી ગયું છે. કેરી પકવતાં હજારો ખેડૂતો અને રાજયના હજારો અગરિયાઓ મુશ્કેલીમાં મુકાઇ ગયાં છે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં એક અંદાજ પ્રમાણે જુદાં જુદાં વિસ્તારોમાં કેરીનો 50 થી 70% જેટલો પાક નાશ પામ્યો છે. બીજી બાજુ રાજયમાં અંદાજે 13 થી 15 લાખ ટન જેટલું મીઠું વરસાદના કારણે દરિયામાં વહી ગયું છે. કેરીના પાકને ગીર સોમનાથ-જુનાગઢ-અમરેલી તથા દક્ષિણ ગુજરાતમાં વ્યાપક નુકસાની થઇ છે. આ ઉપરાંત નારિયેળીના હજારો વૃક્ષ પણ પડી ગયા છે.
કેરીના પાકની વાત કરીએ તો આ પાક બજારમાં આવવા સમયે જ વાવાઝોડું ત્રાટકતા મોટી નુકસાની થઇ છે. આ સાથે જ સમગ્ર રાજયના મીઠાંના અગરોમાં લાખો ટન મીઠું ખુલ્લામાં પડયું હતું તે વરસાદમાં તણાઇ ગયું છે અથવા ઓગળી ગયું છે. આ પ્રકારની નુુકસાનીની અસરો રાજયમાં લાંબા સમય સુધી અનુભવી શકાશે.