કોરોનાની પહેલી લહેર પછી બીજી લહેર અંગેની ચેતવણીઓની ભારત સરકાર દ્વારા સદંતર અવગણના થઇ હોવાનાં આરોપો થઇ રહ્યા છે ત્યારે એક ચોંકાવનારુ તથ્ય પ્રકાશમાં આવ્યું છે. સરકારે ભલે કોરોનાની બીજી લહેરની ઘાતકતાને પારખી ન હોતી પણ દેશની ખાનગી પેઢીઓ, વેપારીઓ તેને કળી ગયા હતા. તેનાં કારણે જ ઓકિસજન થેરાપી સંબંધિત ઉપકરણોની આયાત અને સંગ્રહ કરવામાં સરકાર કરતાં અનેક ડગલાં આગળ રહ્યા હતાં.
ડિરેકટર જનરલ ઓફ કોમર્શિયલ ઇન્ટેલીજન્સ એન્ડ સ્ટેટેટીકસ નાં આંકડાઓ મુજબ વર્ષ 2019-20 દરમિયાન આવા ઉપકરણોની આયાત 17.4 લાખ એકમો જેટલી રહી હતી. જે તેની અગાઉનાં બે વર્ષ કરતાં ત્રણ ગણી વધુ હતી અને દાયકાની વાર્ષિક સરેરાશ કરતાં તો 25 ગણી વધુ હતી. ત્યારબાદ વર્ષ 2020-21 માં પણ તે આના કરતાં વધીને 25 લાખ એકમોએ પહોંચી થઇ હતી. જે વર્ષ2017-18ની આયાતની પાંચગણી વધુ હતી.
તબીબી ઉપકરણોનાં વેપારીઓએ આ મોટાભાગનો માલ સંગ્રહી રાખ્યો હતો અને ધીમી ગતિએ વેંચીને માગ વધવા સાથે તગડો નફો રળ્યો હતો.
કોરોનાની બીજી લહેરમાં ઓકિસજન સિલિન્ડરની ભારે અછત વખતે એક-એક સિલિન્ડર 40 હજાર રૂપિયા જેટલી ઉંચી કિંમતે વેચાયા હતાં. જે અગાઉનાં વર્ષમાં માત્ર 1 હજાર રૂપિયામાં પણ ઉપલબ્ધ હતાં. આવું જ ઓકિસજન કોન્સન્ટ્રેટર અને ઓકિસજન કિટ સહિતનાં ઉપકરણોમાં પણ થયું હતું.