ગુજરાતમાં સતત દસમા દિવસે કોરોના દર્દીઓમાં ઘટાડો નોંધાયો છે. બીજી તરફ, સાજા થઈને ઘરે જનારા લોકોની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. સોમવારે કોવિડ ટાસ્કફોર્સે કહ્યું હતું કે ગુજરાત બીજી લહેરની પીકમાંથી ગુજરી ચૂક્યું છે અને હવે કેસ ઓછા આવી રહ્યા છે. મે મહિનાની વાત કરીએ તો રાજ્યમાં આશરે સવાલાખ લોકોએ કોરોનાને માત આપી, પરંતુ આશરે એટલા જ નવા દર્દી નોંધાયા. રિકવરી રેટ 79%ને પાર થઈ ચૂક્યો છે, પરંતુ આ બધા વચ્ચે કોરોના ટેસ્ટમાં ઘટાડાના કારણે ઓછા થતા કેસ પણ શંકાના દાયરામાં આવી ગયા છે.
છેલ્લા દસ દિવસમાં રાજ્યમાં નવા કેસ 16% ઘટ્યા છે, પરંતુ કોરોના ટેસ્ટમાં 15.5% ઘટાડો કરાયો, એ એની પાછળનું કારણ મનાય છે. બીજી તરફ, દેશના આંકડા જોઈએ તો 28 એપ્રિલે દેશમાં 20.68 લાખ ટેસ્ટ થયા હતા અને સંક્રમણ દર 18.7% હતો. 8 મેએ દેશમાં 14.66 લાખ ટેસ્ટ થયા અને સંક્રમણ દર 26.7% થઈ ગયો. આ આંકડા સ્પષ્ટ સંકેત આપે છે કે જો ટેસ્ટ ઘટીને કોરોના સંક્રમણ ઘટ્યું હોવાનો પ્રયાસ કરાતો હોય, તો ત્રીજી લહેર ઘાતક બની શકે છે.
દેશમાં છેલ્લા આઠ દિવસમાં સંક્રમણ સતત વધી રહ્યું છે. ડબ્લ્યુએચઓની ગાઈડલાઈન્સ કહે છે, જેટલું વધુ ટેસ્ટિંગ થશે, સંક્રમણ પર એટલો ઝડપથી કાબૂ લાવી શકાશે.
દિલ્હી ઉપરાંત કેરળ અને મહારાષ્ટ્ર સહિતના રાજયોએ પણ ટેસ્ટની સંખ્યા ઘટાડી હોવાનું જાહેર થયું છે.રાજ્યોની રોજિંદા સરેરાશ ટેસ્ટ જોઈએ તો પ્રતિ 10 લાખની વસતિએ રોજ સૌથી વધુ 6491 ટેસ્ટ પુડુચેરીમાં થાય છે. મોટાં રાજ્યોમાં પશ્ચિમ બંગાળ સૌથી ઓછા ટેસ્ટ કરે છે, જ્યારે દેશની સરેરાશ 1089 છે.
ગુજરાત સહિતના કેટલાંક રાજયો ટેસ્ટ ઘટાડી રાહતનું ચિત્ર દેખાડવાની છેતરપિંડી કરે છે !
આ પ્રકારની છેતરપિંડી વચ્ચે કોરોનાની ત્રીજી લહેરમાં શું થશે?