જામનગર શહેરમાં આવેલા એમઈએસમાં આર્મી હવલદાર તરીકે ફરજ બજાવતા યુવાનની પત્નીએ સંતાનોની સ્કૂલ ફી માટે પૈસાની માગણી કરતા દંપતી વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલી બાદ પત્નીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ ઘટનાની વિગત મુજબ, જામનગર શહેરમાં આવેલા આર્મીના એમઇએસ ફિલ્ટર પ્લાન્ટ કેમ્પમાં રહેતા અને હવલદાર તરીકે ફરજ બજાવતા ધર્મેન્દ્ર મહારાજની પત્ની પ્રિયદર્શની પ્રિયા (ઉ.વ.37) નામની મહિલાને તેણીના સંતાનોની સ્કૂલની ફી ભરવાની હોય જેથી આ ફી ભરવા માટે પૈસાની પતિ પાસે માગણી કરતા પતિ પાસે ફી ભરવાના પૈસા ન હોવાથી બન્ને વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીનું મનમાં લાગી આવતા પત્ની પ્રિયદર્શની એ રવિવારે સાંજના સમયે તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ બનાવની જાણ મૃતકના પતિ ધર્મેન્દ્ર મહારાજ દ્વારા કરવામાં આવતા પીએસઆઈ વી.કે. રાતિયા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.