ધ્રોલથી જામનગર તરફના માર્ગ પર ઉંડ નદીની કેનાલની બાજુમાંથી પોલીસે કારનો પીછો કરતા કાર ચાલક દારૂનો જથ્થો ભરેલી કાર મૂકી નાશી ગયા હતા. બાદમાં પોલીસે કારની તલાસી લેતા રૂા.1.86 લાખની કિંમતની દારૂની 412 બોટલ અને રૂા.1.50 લાખની કિંમતની કાર મળી કુલ રૂા.3.36 લાખનો મુદ્દામાલ કબ્જે કરી બુટલેગરોને શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતા. આ અંગેની વિગત મુજબ, ધ્રોલથી જામનગર તરફના માર્ગ પર ઉંડ નદીની કેનાલ બાજુના રસ્તા પરથી દારૂ ભરેલી કાર પસાર થવાની મળેલી બાતમીના આધારે પીએસઆઇ એમ.એન.જાડેજા તથા સ્ટાફે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી મુજબની જીજે-01-એચક્યૂ-3882 નંબરની લાલ કલરની ફોર્ડ ફિયાસ્ટા કારને આતંરવાનો પ્રયાસ કરતા ચાલકે કાર ભગાવી અને થોડે દુર ગયા બાદ કાર મૂકી ચાલક નાશી ગયો હતો. બાદમાં પોલીસ સ્ટાફે સ્થળ પર પહોંચી કારની તલાશી લેતા તેમાંથી રૂા.1.86 લાખની કિંમતની 412 નંગ દારૂની બોટલો મળી આવતા પોલીસે રૂા.1.50 લાખની કિંમતની કાર અને દારૂનો જથ્થો મળી કુલ રૂા.3.36 લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી કારના નંબરના આધારે માલિક તથા કાર ચાલકની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતા.


