દેશ કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે. તેવામાં કોરોનાની ત્રીજી લહેરની આશંકાઓ વ્યક્ત થઇ રહી છે. ત્યારે સુપ્રીમ કોર્ટે કોરોનાની ત્રીજી લહેર અંગે આશંકાઓ વ્યક્ત કરી છે. ગુરુવારે, દિલ્હીમાં ઓક્સિજનની અછતની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટીસ ચંદ્રચુડએ કહ્યું કે કોરોનાની ત્રીજી લહેર સામે દેખાઈ રહી છે. અને જેની અસર બાળકો પર પડી શકે છે. ત્રીજી લહેર પહેલા વેક્સિનેશન અભિયાન પૂર્ણ થવું જરૂરી છે. દેશ કોરોનાની ત્રીજી લહેરમાં પ્રવેશી રહ્યો છે જેને લઇને આપણે અત્યારથી તૈયારી કરીશું તો લડી શકીશું. આ સિવાય જસ્ટિસે કહ્યું કે પરિસ્થિતિ બગડે અને કોરોનાના કેસ વધશે તો સરકાર શુ કરશે? સુપ્રીમ કોર્ટે કહ્યું કે રીપોર્ટમાં કહેવામાં આવી રહ્યુ છે કે ત્રીજી લહેર બાળકોને પ્રભાવિત કરશે.
બાળકોની ચિંતા વ્ય્કત કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે બાળકો પર કોરોનાની અસર થશે તો કઈ રીતે સંભાળશે સરકાર ? કારણકે બાળકો તો જાતે હોસ્પિટલ પણ જઈ શકે નહી. જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે હાલમાં દેશની અંદર લગભગ 1.5 લાખ ડોકટરો છે જેણે કોર્સ પૂર્ણ કર્યો છે પરંતુ NEET ની પરીક્ષાની રાહ જોઈ રહ્યા છે, તે જ રીતે લગભગ 2.5 લાખ નર્સો પણ છે જે પરીક્ષા પાસ કર્યા બાદ ઘરે બેઠા છે. આ બધા લોકો ત્રીજી લહેરમાં મદદરૂપ થઇ શકે છે. કોર્ટે સરકારને પૂછ્યું કે તેમનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવશે.
કોરોના વાયરસની પહેલી લહેરમાં વયસ્કો પ્રભાવિત થયા હતા. બીજી લહેરમાં યુવાઓને વધુ અસર થઇ રહી છે.ત્યારે ત્રીજી લહેરમાં બાળકો પ્રભાવિત થાય તેવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે તેને લઈને સુપ્રીમ કોર્ટે સરકારને ઈમરજન્સી પ્લાન પૂછતા ટીકા કરી હતી.


