મરાઠા અનામતને લઇને આજે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપતા જણાવ્યું છે કે શિક્ષણ અને નોકરીના ક્ષેત્રમાં મરાઠા અનામતને ગેરબંધારણીય ગણાવ્યું છે. કોર્ટના ચુકાદા અનુસાર હવે કોઈ પણ નવા વ્યક્તિને મરાઠા અનામતના આધાર પર કોઈપણ નોકરી કે શિક્ષણમાં સીટ નહી આપી શકાય.
સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયને આરક્ષણ આપવાને ગેરબંધારણીય ગણાવી છે. આ આરક્ષણ આર્થિક અને સામાજિક પછાતપણાના આધારે આપવામાં આવ્યું હતું. કોર્ટે કહ્યું છે કે 50 ટકા આરક્ષણ સીમા નક્કી કરવાના ચુકાદા પર ફરીથી વિચાર કરવાની જરૂરિયાત નથી. મરાઠા સમુદાયના લોકોને આરક્ષણ આપવા માટે તેમને શૈક્ષણિક અને સામાજિક રીતે પછાત ન કહી શકાય.
સુપ્રીમ કોર્ટે 13% મરાઠા અનામતને રદ કર્યું છે. સુપ્રીમ કોર્ટની સંવિધાન બેંચે મરાઠા અનામતને પડકારતી અરજીઓ પર આ ચુકાદો આપ્યો છે. મરાઠા અનામત અંતર્ગત નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશનો લાભ જેમને મળ્યો છે તેમને ભવિષ્યમાં લાભ નહીં મળે. સપ્ટેમ્બર 2020 સુધીમાંજે લોકોએ લાભ લીધો છે તેને કોઈ અસર થશે નહી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે મરાઠા સમુદાયને ક્વોટા માટે સામાજિક, શૈક્ષણિક રીતે પછાત જાહેર કરી શકાય નહી. કોર્ટે કહ્યું કે મરાઠા આરક્ષણ 50% અનામતનું ઉલ્લંઘન છે. આરક્ષણ માત્ર પછાત વર્ગના લોકોને આપવામાં આવે છે. અને મરાઠા આ સમુદાયમાં નથી આવતા.
2018માં મહારાષ્ટ્ર સરકારે મરાઠા વર્ગને સરકારી નોકરી અને ઉચ્ચ શિક્ષણમાં 16 ટકા આરક્ષણ આપ્યું હતું. તે માટે જસ્ટિસ એનજી ગાયકવાડની અધ્યક્ષતાવાળા મહારાષ્ટ્રના પછાત વર્ગ આયોગના રિપોર્ટને આધાર બનાવવામાં આવ્યો હતો. OBC જાતીઓને આપવામાં આવેલા 27 ટકા આરક્ષણથી અલગ આપવામાં આવેલા મરાઠા આરક્ષણથી સુપ્રીમ કોર્ટના તે ચુકાદાનું ઉલ્લંઘન થયું, જેમાં આરક્ષણની સીમા અધિકતમ 50 ટકા જ રાખવાનું કહેવામાં આવ્યું હતું.