જામનગર સહિત સમગ્ર રાજયમાં તથા દેશમાં કોરોના મહામારી અને સારવાર તથા કોરોના દર્દીઓના મોતના આંકડાઓ તેમજ દવા અને ઇંજેકશનો સહિતની ચીજોની અછત અને કાળાબજાર સંદર્ભે સર્વત્ર અંધાધૂંધી પ્રવર્તે છેે. વિવિધ રાજયોની વડીઅદાલતો અને સુપ્રિમ કોર્ટ સરકારોને અવાર-નવાર ઠપકાઓ અને ચેતવણી ઓ આપે છે. ગુજરાતીમાં કહીએ તો, રોજ સવારે સરકારોનું નાક કપાય છે. આમ છતાં મહામારીના 13 મહિના પછી પણ આપણે કોરોના મહામારીનો સામનો કરવા માટે ડિજિટલી અને જમીની સ્તર પર સજ્જ નથી. મિડિયામાં સરકારો પર દિન રાત માછલાં ધોવાઇ રહ્યા છે.દેશવાસીઓની પરેશાનીઓનો કોઇ પાર નથી. બેઠકો અને કાર્યક્રમો યોજાઇ રહ્યા છે જેમાં મોટી જાહેરાતો થઇ રહી છે.
આ સ્થિતિમાં કોરોના મહામારી સામે લડવા આપણે સૌ એ જમીની સ્તર ઉપરાંત ડિજિટલી પણ એડવાન્સ બનવું પડશે. દરેક જિલ્લાનું પોતાનું કોવિડ પોર્ટલ હોવું જોઇએ. આ પોર્ટલ 24 કલાક સતત અપડેટ થવું જોઇએ. આ પોર્ટલ પર દર્દીઓની સંખ્યા, પ્રત્યેક બેડ અને દર્દીની સ્થિતિ તથા સારવારની વિગતો, તબિબો અને પેરામેડિકલ સ્ટાફની હાજરી અને કામગીરીની વિગતો, દાખલ-ડિસ્ચાર્જ અને કોરોના દર્દીઓના મોતની સંપુર્ણ વિગતો, હોસ્પિટલની બહાર વેઇટીંગની વિગતો, ખાનગી હોસ્પિટલોની પણ આ પ્રકારની સંપુર્ણ વિગતો, નિષ્ણાંતો અને અધિકારીઓ દ્વારા મોનિટરીંગ અને સંબંધિતોને આપવામાં આવતી સુચનાઓની વિગતો, બેઠકોમાં લેવાતાં નિર્ણયો અને વ્યવસ્થાઓમાં થતા ફેરફારોની વિગતો, કોરોના ટેસ્ટ અને વેકિસનેશનની અપડેટેડ વિગતો-આ પ્રકારની તમામ બાબતો પૂરતા સ્ટાફ અને મશીનરીની મદદથી પ્રતિમિનિટે તમામ જિલ્લામાં તથા સમગ્ર રાજયમાં પોર્ટલ પર અપડેટ થવી જરૂરી છે અને આ તમામ વિગતોના આધારે દર્દીઓના પરિવારજનો પોતાના મોબાઇલથી સંબંધિતોના સતત સંપર્કમાં રહી શકે તે માટે તમામ જરૂરી ફોન નંબરો પણ પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવા જોઇએ.
છેલ્લાં 13 મહિનાથી જરૂરી વિગતો દર્દીઓના પરિવારજનો તથા સંબધિતો પાસે પહોંચતી નથી. કોઇ પણ જિલ્લામાં સતાવાળાઓ દ્વારા હકિકતોનું મીડિયા બ્રીફીંગ થતું નથી. જેને પરિણામે સાચી વિગતો છુપાયેલી રહે છે અને અર્ધસત્ય, ખોટી વિગતો અને અફવાઓ લોકો વચ્ચે તથા મીડિયામાં દોડાદોડી કરતી રહે છે જેના કારણે સર્વત્ર અંધાધૂંધી જેવો માહોલ જોવા મળે છે. અને બીનજરૂરી વાતો અને વિગતોનું ડમ્પિંગ થઇ રહ્યું છે. જેના કારણે મહામારી ઉપરાંત બિનજરૂરી ચર્ચાઓ અને વાદવિવાદોને કારણે વાતાવરણ દૂષિત જોવા મળે છે. આ બધી બાબતોના ઉપાય તરીકે તાકિદે પ્રત્યેક જિલ્લામાં સતત અપડેટેડ રાખી શકાય તે પ્રકારની કોવિડ પોર્ટલની વ્યવસ્થા જરૂરી બની ગઇ છે. શેરબજાર અને કોમોડિટી માર્કેટની મિનિટે મિનિટની વિગતો સૌ સંબંધિતો પાસે એક જ કલિકમાં પહોંચી જાય છે. એ રીતે કોવિડ પોર્ટલ આપણે શા માટે ડેવલોપ ન કરી શકિએ. આ પ્રકારનું પોર્ટલ હાલના સમયમાં તાતી જરૂરિયાત છે.