જામનગર શહેર જિલ્લા ફરતે કોરોનાનો અજગરી ભરડો કાબૂ બહાર જઇ રહયો છે તેની સાથે સાથે રીકવરી રેટ પણ સુધરતો જાય છે. છેલ્લાં 48 કલાક દરમિયાન જામનગર શહેરમાં 788 અને ગ્રામ્યના 662 કેસ મળી 1450 કેસ નોંધાયા છે. તો 791 દર્દીઓએ કોરોનાને હરાવવામાં સફળ રહેતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જામનગરમાં છેલ્લાં 48 કલાક દરમિયાન 25 દર્દીઓના મોત નિપજ્યા હતાં. આ ઉપરાંત બિનસત્તાવાર મોતનો આંકડો 175 છે.
જામનગર જિલ્લામાં કોરોના પોઝિટીવનો આંક 800 તરફ આગળ વધી રહ્યો છે. જી.જી.હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની લાઇનો લાગી છે.
એમ્બ્યુલન્સમાં પણ દર્દીની સારવાર આપવામાં આવી રહી છે. કોરોનાનું સંક્રમણ વધતાં પરિસ્થિતિ વણસતી જઇ રહી છે. જામનગર શહેરમાં શનિ-રવિ બે દિવસ દરમિયાન 348 અને 390 મળી કુલ 788 પોઝિટીવ કેસ સામે આવ્યા છે. જ્યારે શનિ-રવિ દરમિયાન 329 અને 354 મળી કુલ 683 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. આ ઉપરાંત જામનગર ગ્રામ્ય વિસ્તારમાં શનિ-રવિ દરમિયાન 390 અને 353 મળી કુલ 662 પોઝિટીવ કેસ નોંધાયા છે. જ્યારે શનિ-રવિમાં 56 અને 52 મળી કુલ 108 દર્દીઓએ કોરોનાને મ્હાત આપતા ડિસ્ચાર્જ કરાયા છે. જામનગર શહેરમાં અત્યાર સુધીમાં કુલ 335187 સેમ્પલનું પરીક્ષણ થયું છે. જામનગર ગ્રામ્યમાં અત્યાર સુધીમાં કુલ 251907 સેમ્પલનું પરીક્ષણ થયું છે. જામનગરમાં કોરોના વિકરાળ બનતો જઇ રહ્યો છે. કોવિડ હોસ્પિટલ પોઝિટીવ દર્દીથી ઉભરાઇ રહી છે. છેલ્લાં 48 કલાક દરમિયાન જામનગર શહેરમાં 14 અને ગ્રામ્ય વિસ્તારમાં 11 મળી કુલ 25 દર્દીઓના મોત નિપજ્યાનું સરકારી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 175 મોત નિપજ્યા છે પરંતુ આ મોતનો આંકડો સરકારી ચોપડે નોંધાયો નથી.
ગુજરાત રાજ્યમાં રવિવારે સાંજે કુલ 12,987 પોઝિટિવ કેસ નોંધાયા હતાં જ્યારે 11,146 દદર્દીઓ સાજા થયા હતાં તેમજ અમદાવાદમાં 4683 પોઝિટિવ કેસ અને 26 ના મોત તથા સુરતમાં 1994 કેસ અને 9 ના મોત ની સાથે રાજ્યમાં કુલ 153 દર્દીઓના મોત થયા હતાં.


