કોરોના-કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ-સારવાર માટે ઉપયોગમાં લેવાતી સાધન-સામગ્રીની વિદેશમાંથી આયાત પરનો IGST વેરો રાજ્ય સરકાર ભોગવશે. રાજ્ય સરકારની-સ્થાનિક સ્વરાજ્યની-રાજ્ય સરકારે મંજૂરી આપેલી હોસ્પિટલો સંસ્થાઓમાં વિનામૂલ્યે અપાનારી આવી આયાતી સાધન-સામગ્રી આયાત પરના વેરાનું ભારણ આયાતકાર પર આવશે નહીં.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાકાળમાં વધુ એક મહત્વપૂર્ણ નિણર્ય લીધો છે. વિદેશથી આવતા મેડિકલ સાધનો ઉપર રાજ્ય સરકાર વેરો ભોગવશે. કોરોનાના સમયગાળા આ નિર્ણય મહત્વનો બની રહેશે. જેમાં ઓક્સિજન બોટલથી માંડીને રેમડેસિવિર ઇન્જેક્શનનો પણ સમાવેશ કરાયો છે.
આ નિર્ણય અનુસાર જો કોઇ સ્વૈચ્છિક સંગઠનો, કોપોરેટ કંપનીઓ કે વ્યક્તિઓ મેડિકલ ઑક્સિજન, ઑક્સિજન સિલિન્ડર, ઑક્સિજન પ્લાન્ટ, ઑક્સિજન ફિલીંગ સિસ્ટમ, ઑક્સિજન સ્ટોરેજ ટેન્ક, ઑક્સિજન જનરેટર, ક્રાયોજેનિક રોડ ટ્રાન્સપોર્ટ ટેન્ક વગેરે અને આ સાધનો બનાવવામાં વપરાતા પાર્ટ્સ, વેન્ટીલેટર્સ, વેક્સીન, રેમડેસિવિર ઈન્જેક્શન અને તે બનાવવામાં વપરાતી સામગ્રી વગેરે વિદેશથી આયાત કરીને રાજ્ય સરકાર અથવા રાજ્ય સરકાર સંચાલિત હોસ્પિટલો અથવા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા સંચાલિત હોસ્પિટલો અથવા રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવેલ હોય તેવી હોસ્પિટલ/ સંસ્થાઓને વિના મૂલ્યે આપે તો તેના પર લાગતો આઇજીએસટી વેરો રાજ્ય સરકાર દ્વારા ભોગવવામાં આવશે. કોરોનામાં રાજ્ય સરકારને મદદરૂપ થવા માટે આગળ આવી રહેલ સ્વૈચ્છિક સંસ્થાઓ, કોર્પોરેટ કંપનીઓને પ્રોત્સાહિત કરવા માટે મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.