Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં ઓક્સિજન અને કોરોના સારવારની એ-બી-સી-ડી, ટૂંકમાં

જામનગરમાં ઓક્સિજન અને કોરોના સારવારની એ-બી-સી-ડી, ટૂંકમાં

પડાણા નજીકના ત્રણ ઓક્સિજન પ્લાન્ટ જામનગર-દ્વારકા સહિત સમગ્ર સૌરાષ્ટ્રને ઓક્સિજન પૂરો પાડે છે

- Advertisement -

જામનગર-દ્વારકા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે. પોઝીટીવ કેસોનું પ્રમાણ મોટું છે. હોસ્પિટલો અને તબીબો પર વર્કલોડ વધ્યો છે. કોરોના દર્દીઓના મોતના આંકડા વાસ્તવિક અર્થમાં બિહામણા અને જીવલેણ બની ચૂક્યા હોય, લોકોમાં ફફડાટ છે. જામનગર શહેર સહિત સમગ્ર ગુજરાતમાં સન્નાટો છે. સરકારી તથા ખાનગી સ્તરો પર યથાસંભવ જંગ લડવામાં આવી રહ્યો છે.

- Advertisement -

કોરોના મહામારીએ આપણી આરોગ્યસેવા-સુવિધાઓનું વાસ્તવ દર્શન કરાવ્યું છે. પુષ્કળ થીંગડાઓ મારવા પડી રહ્યા છે. સ્થિતિ વિકટ બની ગઇ છે, એ પહેલાં જરૂરી બાબતો યુધ્ધનાં ધોરણે પ્રમાણમાં ઓછી થઇ હોય, પરિસ્થિતિ ઝડપથી વિકટ બની ચૂકી છે. હવેના તબક્કામાં સૌ સહિયારી રીતે યુધ્ધના ધોરણે, તાર્કિક પધ્ધતિએ કામ કરી દેખાડે તો જ આપણે પરિસ્થિતિનો ખરાં અર્થમાં મુકાબલો કરી શકીએ.

જામનગર શહેર-જિલ્લામાં એવાં સેંકડો દર્દીઓ હોમ કવોરન્ટાઇન છે જેઓ પેકી ઘણાં લોકોની સ્થિતિ યોગ્ય તબીબી સારવાર-ઓકિસજનના અભાવે નાજૂક થતી હોવાના રિપોર્ટ મળી રહ્યા છે, અને આ ચિંતાનો વિષય છે.

- Advertisement -

જામનગરની કોરોના હોસ્પિટલનાં આંગણે 108-એમ્બ્યૂલન્સ તથા ખાનગી વાહનોનો જમેલો છે. જેને આપણે હાલ શુન્ય કરી શકીએ તેવી સ્થિતિમાં નથી. આ વાહનોમાં ઘણાં એવાં કોરોના દર્દીઓ છે જેઓને તાકીદે ઘનિષ્ઠ સારવાર-ઓકિસજનની જરૂરિયાતો સર્જાતી રહે છે. તંત્રો મર્યાદિત કામગીરીઓ કરી શકવા પૂરતાં જ સક્ષમ-સજજ છે. કોરોના દર્દીઓની સારવારોમાં રોકાયેલાં મોટાંભાગના તબીબો જૂનિયર હોય, સારવારનું સ્તર રાતોરાત સુધરી જાય એ હાલ તો દીવાસ્વપ્ન છે. કોરોના દર્દીઓનાં મોતના આંકડામાં આ વાસ્તવનું પ્રતિબિંબ પાડી રહ્યું છે, જે આપણે સ્વિકારી નવા ઉપાયો, નવા પ્રયોગો હિમ્મતપૂર્વક અને તાકિદે અમલમાં મૂકવા પડશે.

પ્રાણવાયુ ઉર્ફે ઓકિસજનની વાત કરીએ તો, જામનગર-દ્વારકા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સ્થિતિ ચિંતાજનક તો છે જ, તંત્રોની મર્યાદાઓને કારણે નજીકના સમયમાં બાજી પલટી જવાનાં અભરખાં આપણે હાલ રાખી શકીએ નહીં.

- Advertisement -

ઓકિસજન ઉત્પાદન અને જરૂરિયાતની વાત કરીએ તો, આપણી પાસે પૂરતાં પ્લાન્ટ નથી. સપ્લાય મર્યાદિત છે. જરૂરિયાત મોટી છે. અને, જરૂરિયાત વધુ મોટી કયારે બની જાય ? તે અંગે હાલ કશું લખવું ઉચિત નથી.

જામનગર-દ્વારકા માર્ગ પર મેઘપર-પડાણા નજીક ઓકિસજનનાં ત્રણ પ્લાન્ટ છે. જેનાં નામો આશાપુરા, હંસ વગેરે છે. ત્યાં સતત ભીડ રહે છે કારણ કે જરૂરિયાતો મોટી છે, ઉત્પાદન મર્યાદિત છે.

આ ઓકિસજન પ્લાન્ટો જામનગર-દ્વારકા સહિત સમગ્ર સૌરાષ્ટ્રને ઓકિસજન પૂરો પાડે છે. સરકાારી વાહનો પણ અત્રે ઓકિસજન મેળવવા લાઇનોમાં ઉભાં છે. અને, ખાનગી વાહનોનો મેળો જામ્યો છે. સ્થાનિક મામલતદાર તંત્ર-પોલીસતંત્ર પણ ભીડ નિયંત્રિત કરવા, વ્યવસ્થા જાળવવા કાર્યરત છે. પરંતુ ઉત્પાદન પોતે જ મર્યાદિત છે.

જામનગરની સરકારી કોરોના હોસ્પિટલમાં દર્દીઓને લિકવીડ ઓકિસજન સપ્લાય થઇ રહ્યો છે. જ્યારે ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓને વાયુસ્વરૂપમાં ઓકિસજન આપવામાં આવી રહ્યો છે. સરકારી તંત્રો દર્દીઓને મેડિકલ ઓકિસજન આપે છે જ્યારે ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓને ઇન્ડસ્ટ્રીયલ ઓકિસજન આપવામાં આવી રહ્યો છે. ખાનગી હોસ્પિટલો પાસે ઓકિસજનનો પર્યાપ્ત કે મોટો સ્ટોક નથી, તેઓ સતત સપ્લાય પર આધારિત છે.
મેડિકલ ઓકિસજનની શુધ્ધતા ઉંચી હોય છે. તેનું ઉત્પાદન સર્ટિફાઇડ હોય છે. તે મેળવવા માટે ડોકટરનું પ્રિસ્ક્રિપ્શન અનિવાર્ય હોય છે. તે દરેક દર્દીને જરૂરિયાત મુજબ ઓછી વધતી માત્રામાં આપવાનો હોય છે, તેનું સતત મોનિટરીંગ જરૂરી છે. ઇન્ડસ્ટ્રીયલ ઓકિસજનની શુધ્ધતા અંગે કોઇ કશો દાવો કરી શકે નહીં, કેમ કે તેનું ઉત્પાદન સર્ટિફાઇડ હોતું નથી. જામનગરની ખાનગી હોસ્પિટલોમાં ઇન્ડસ્ટ્રીયલ ઓકિસજન આપવામાં આવી રહ્યો છે. મેડિકલ ઓકિસજનના સિલિન્ડર કલીન-લેબલ્ડ હોય છે. ઉદ્યોગો માટેના ઓકિસજનના સિલિન્ડરમાં-ટેંકમાં અંદરના ભાગમાં પાણી-કાટ હોય શકે છે. કારણ કે, તેનું મોનિટરીંગ કરવાની કોઇ જ વ્યવસ્થા હોતી નથી.

સુરેન્દ્રનગરમાં હોમ કવોરન્ટાઇન દર્દીઓને જરૂરિયાતના સમયે પણ તંત્રએ ઓકિસજન ન પહોંચાડતા હોબાળો થયો છે. જામનગરમાં હોમ કવોરન્ટાઇન કોરોના દર્દીઓની ઓકિસજન જરૂરિયાત અંગે હજૂ કોઇ તંત્ર સતાવાર રીતે ગોઠવવામાં આવ્યું નથી.

જામનગરમાં ખાનગી કોરોના હોસ્પિટલોમાં સારવાર લેતાં દર્દીઓને રેમડેસિવિર સહિતના ઇન્જેકશનોની જરૂરિયાત પડે છે ત્યારે અત્યાર સુધી દર્દીઓના પરિવારજનો બહારગામથી ઇન્જેકશનની વ્યવસ્થા કરતાં. હવે, આ માટેની જવાબદારી SDM આસ્થા ડાંગરને સોંપવામાં આવી છે. તંત્રનો આ નિર્ણય આવકારદાયક છે. પરંતુ અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગર શહેર જિલ્લામાં ફેબીફ્લૂ, ફેવીરીપાર જેવી દવાઓ ઉપરાંત ટોસીલીઝૂમેબ અને ઇટોલીઝૂમેબ જેવા ઇન્જેકશન તેમજ ઓકિસજન જેવી ચીજોની લોકો અછત અનુભવી રહ્યા હોય જિલ્લા વહીવટી તંત્રએ આ બધી ચીજો લોકોને સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે જરૂરી અધિકારીઓની હંગામી નિયૂકતી કરી તેઓના સંપર્ક નંબરો લોકોની જાણ અર્થે જાહેર કરવા જરૂરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular