જામનગર-ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના મહામારીએ અજગરભરડો લીધો છે. સર્વત્ર સ્થિતિ કરૂણાજનક અને ચિંતાજનક છે. મુશ્કેલીઓના પહાડો તોતિંગ છે. કમનસીબે આપણું આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રકચર મજબુત નથી.તેથી પણ વધુ ચિંતાની બાબત એ છે કે, પાછલાં 13 મહિનામાં આરોગ્ય ક્ષેત્રને સજજ બનાવવા માટે નોંધપાત્ર કામગીરી દેશમાં કયાંય થયાનું જાણમાં નથી. આ સ્થિતિમાં આપણાં તબિબો અને મેડિકલ સ્ટાફ તરીકે કામ કરતાં લાખો દેશવાસીઓ અનેક પ્રતિકૂળતાઓ વચ્ચે રાત-દિન ઝઝૂંમી રહ્યા છે. કોરોના દર્દીઓની તથા અન્ય દર્દીઓની સેવા કરી રહ્યા છે. કરોડો દેશવાસીઓને કોરોના સહિતની બિમારીઓ માંથી મુકિત અપાવી રહ્યા છે. પરંતુ આ સૌ કોરોના વોરિયર્સની કામગીરી વધુ પરિણામલક્ષી અને સરળ બને તે દિશામાં જરૂરી પગલાંઓ ઝડપથી અને યોગ્ય પ્રમાણમાં લેવાયા નથી.
લાખો તબીબો અને કરોડો નર્સ સહિતનો સમગ્ર મેડિકલ સ્ટાફ 13 મહિનાથી સતત ફરજો બજાવે છે. તેઓને રજા કે આરામની પણ તક મળતી નથી. તેઓ પર ભયાનક માનસિક દબાણ છે અને કલ્પી ન શકાય તેટલો વર્કલોડ છે. તેઓને પૂરતો સ્ટાફ અને સાધનો તેમજ દવાઓ અને ઇંજેકશનો વગેરે પૂરા પાડવામાં સરકારોએ અગ્રતાક્રમથી કામ કર્યું ન હોય આ કરોડો તબિબો અને મેડિકલ સ્ટાફની સ્થિતિ સેન્ડવિચ જેવી બની ગઇ છે. એક તરફ જવાબદારીઓનું દબાણ અને બીજીબાજુ યોગ્ય સુવિધાઓનો અભાવ.
તબીબો અને મેડિકલ સ્ટાફ પોતાના પરિવારજનો અને સામાજીક જીવનથી દૂર થઇ ગયા છે. રાતદિન જોયાવિના ઘડિયાળના કાંટે દોડે છે. તેઓની જીવનચર્યા અનિયમિત અને હેકટિક બની ગઇ છે. જમવાનો અને આરામનો સમય અસ્તવ્યસ્ત થઇ ગયો છે. ઉપરી અધિકારીઓ અને સરકાર તેમજ આગેવાનો તરફથી માનસિક દબાણો અને દર્દીઓ તથા પરિવારજનોની સેંકડો ફરિયાદો-રોષ અને નારાજગી આ સૌ તબિબો અને મેડિકલ સ્ટાફ અનુભવી રહ્યો છે. જેને પરિણામે તેઓની પોતાની શારીરિક અને માનસિક સ્થિતિ પર વિપરીત અસરો થઇ રહી છે. તબિબો અને મેડિકલ સ્ટાફ પૈકી હજારો લોકો નાની બિમારીઓ ઉપરાંત કોરોનામાં પણ સપડાઇ રહ્યા છે.ઘણાં તબિબો અને સ્ટાફના લોકોના કોરોનામાં મૃત્યુ પણ થયા છે.
તાજેતરમાં ગુજરાત સરકારે આ સૌ કોરોના વોરિયર્સના વેતનોમાં વધારો કરવાનું આવકારદાયક પગલું લીધું છે. પરંતુ માત્ર વેતન જ સર્વસ્વ નથી. આપણાં તબિબો અને મેડિકલ સ્ટાફને પૂરતો આરામ, યોગ્ય પ્રમાણમાં ઇન્ફ્રાસ્ટ્રકચર, દવાઓ અને જરૂરી ઉપકરણો તેમજ વધારાનો સ્ટાફ ઝડપથી અને પૂરતાં પ્રમાણમાં મળી રહે તે જોવાની જવાબદારી પણ આપણી સૌની ખાસ કરીને સરકારોની છે.
દેશભરમાં વધુને વધુ ખાનગી અને અનુભવી તેમજ નિવૃત તબિબો સહિતના સ્ટાફને કોરોનાની કામગીરીમાં આકર્ષક વળતર અને સુવિધાઓ સાથે જોડવો જરૂરી છે. કેમ કે, 13 મહિનાથી જે તબિબો અને મેડિકલ સ્ટાફ પ્રતિકૂળતાઓ સાથે ફરજો બજાવી રહ્યા છે. તેઓની શારીરિક અને માનસિક સ્વસ્થતા આપણાં સૌના હિતમાં છે. તેઓ પ્રત્યે આપણે સૌ વધુ સંવેદનશીલ અને જવાબદાર બનીએ અને એમ કરી દેશભરમાં કોરોના સામેની લડાઇને વધુ અસરકારક બનાવીએ.