લાલપુર તાલુકાના અપિયા ગામમાં રહેતા યુવાનના લગ્ન થયા બાદ તેની પત્ની માવતરે રીસામણે જતી રહેતાનું મનમાં લાગી આવતા શુક્રવારે સવારના સમયે લાલપુર તાલુકાના ચાંદીગઢ ગામમાં આવેલા મંદિર નજીક શરીરે પેટ્રોલ છાંટી દિવાસળી ચાંપી અગ્નિસ્નાન કર્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, લાલપુર તાલુકાના અપિયા ગામમાં રહેતો મહેશ મંગાભાઈ પરમાર (ઉ.વ.35) નામના યુવાનના લગ્ન થયા હતાં અને લગ્ન થયા પછી તેની પત્ની આણુ તેડાવી લીધા બાદ માવતરે રીસામણે જતી રહી હતી અને પત્નીના રીસામણે જવાનું મનમાં લાગી આવતા પતિ મહેશે ગઈકાલે શુક્રવારે સવારના સમયે એક લીટર પેટ્રોલ લઇને લાલપુર તાલુકાના ચાંદીગઢ ગામ નજીક આવેલા મેલડી માતાજીના મંદિર પાસે ગયો હતો અને ત્યાં મહેશે શરીરે ઉપર પેટ્રોલ છાંટી દિવાસળી ચાંપી અગ્નિસ્નાન કરી લીધું હતું. આ બનાવની જાણ થતા એએસઆઈ વી.પી.ઝાલા તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતકના પરિવારજનોને જાણ કરતા પોલીસે મંગાભાઈ પરમારના નિવેદનના આધારે મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.