દેવભૂમિ દ્વારકા જિલ્લો જામનગરથી અલગ થયો ત્યારના વર્ષ 2014 થી 2019 સુધીના સમયગાળા દરમિયાન જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા તાલુકામાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. પાંચ વર્ષના આ સમયગાળામાં ઝડપાયેલા પરપ્રાંતિય શરાબના જથ્થા પર ગઈકાલે તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી, નાશ કરાયો હતો.
ખંભાળિયા તાલુકા સાથે સલાયા મરીન પોલીસ વિસ્તારમાંથી વર્ષ 2014 થી 2019 સુધીના પાંચ વર્ષના સમયગાળા દરમ્યાન સમયાંતરે 33 હજાર જેટલી જુદી જુદી કંપનીની વિદેશી દારૂની બોટલો પોલીસે ઝડપી હતી. રૂ. 1.70 કેટલી કિંમત ધરાવતા પરપ્રાંતીય શરાબના આ જથ્થાને નાશ કરવા માટેની કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ગઈકાલે અત્રે ધરમપુર વિસ્તારમાં આવેલી જિલ્લા પોલીસ વડાની કચેરી પાછળના ખુલ્લા ભાગમાં દારૂની આ તમામ બોટલોનીને ગોઠવી, અહીંના પ્રાંત અધિકારી ડી.આર. ગુરવ, ડી.વાય.એસ.પી. સમીર સારડા, પી.આઈ. વી.વી. વાગડિયા, સ્થાનિક પી.એસ.આઈ. તથા સ્ટાફ વિગેરેની ઉપસ્થિતિમાં આ જથ્થા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.
સ્થાનિક તંત્રની આ કામગીરીમાં કચ્ચરઘાણ થતા વિદેશી શરાબના જથ્થાને જોઈ, પીવાના શોખીનોના મોઢામાંથી “આહ” નીકળી ગઈ હતી..!!