ખંભાળિયા શહેર નજીક આવેલા એક વાડી વિસ્તારમાં રહેતા પરિણીત એવા એક શખ્સ દ્વારા તેના કૌટુંબિક એવી એક પરણિત યુવતી પર દુષ્કર્મ ગુજારવાના સબબ અહીંની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ખંભાળિયા નજીકના ધરમપુર વિસ્તારમાં રહેતી એક પરણિત યુવતી પર આ જ વિસ્તારના રહીશ એવા વશરામ જેઠાભાઈ કછટીયા નામના શખ્સ દ્વારા પરિણીતાને બ્લેકમેઈલ કરી, સમાજમાં બદનામ કરવાની ધમકી આપી, અવાર નવાર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. વધુમાં જાણવા મળતી વિગત મુજબ ભોગ બનનારના કૌટુંબિક સગા ત્રણ સંતાનોના પિતા વશરામ કછટીયા દ્વારા આ પરિણીતાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હોવાનું જાહેર થયું છે.
આ સમગ્ર બનાવ અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 376, 506 (2), વિગેરે મુજબ ગુનો નોંધી આગળની તપાસ અહીંના પી.આઈ. વી.વી. વાગડીયાના વડપણ હેઠળ પી.એસ.આઈ. એસ.કે. બારડ દ્વારા હાથ ધરવામાં આવી છે.