વિશ્વની તમામ કુદરતી અથવા માનવ રચિત વ્યવસ્થા એક લિખિત કે અલિખિત નિયમો અનુસાર ચાલે છે. તેનું પાલન કરવું આવશ્યક છે. બાળકના જન્મ માટે નવ મહિના રાહ જોવી પડે તે કુદરતી નિયમ (PROTOCOL) છે. ધાર્મિક સ્થાનોમાં ચપ્પલ પહેરી ના જવાય તે માનવ રચિત શિષ્ટાચાર છે. દેશમાં વાહન ડાબી બાજુ ચલાવાય તે નિયમ છે. પથ્થર ચાવવાથી દાંત તૂટી જાય તે સર્વ વિદિત છે. ઝાડ ઉપર ફળ નક્કી કરેલી ઋતુમાં જ આવે તે કુદરતનો નિયમ છે. વિશ્વની 100 % બાબતો કડક નિયમો કે પ્રોટોકોલ થી સંકળાયેલી છે. રોગો પણ તેમાથી બાકાત નથી. આયુર્વેદ, હોમિયોપથી કે એલોપથી પણ કડક ‘પ્રોટોકોલ’ પાળ્યા પછી જ અસર કરે છે. દવા શરીરમાં જાય તો જ અસર કરે તે નિયમ છે.
કોરોના મહામારી પણ તેના અનેક નિયમો ધરાવે છે, જે ઘણા સદા અને સરળ છે. પરંતુ આપણે તેના ‘પ્રોટોકોલ’નો અમલ કરતાં નથી અને પરિણામે ગુંચવાય ગયા છીયે. આ મહામારી નવી હોવાથી ચિકિત્સા શાસ્ત્ર પાસે તેનો સચોટ રામબાણ ઈલાજ નથી. પરિણામે ‘હાથમાં આવ્યું તે હથિયાર’ સમજી સારવાર કરી રહ્યા છીયે. માનવ શરીરમાં 98 જેટલા એવા રોગ છે, જેનો સચોટ ઈલાજ આજે પણ નથી. કેટલાક આપમેળે માટી જાય છે, કેટલાક જીવલેણ બને છે. ‘વાયરસ’ નામનો દૈત્ય સદીઓથી આપણી પાછળ પડ્યો છે. તે હમેશાં વિજ્ઞાનથી આગળ જ દોડે છે. ‘ચેતતો નર સદા સુખી’ એ કહેવત અમસ્તીજ નહીં આવી હોય! વર્તમાન સમયમાં પણ કોરોના માટે એમ જ કહેવું પડે કે ‘ચેતતો નર સુખી’!
કોરોનાથી બચવા માટે હાલમાં માત્રને માત્ર ‘માસ્ક’ અને ‘સામાજિક અંતર, જ ઈલાજ છે. બીજી તરફ વસ્તી વધારો એટલો મોટો છે કે, સામાજિક અંતર સપનામાં પણ કલ્પી નથી શકાતું! મુંબઈ જેવા મહાનગરમાં તો ‘દો ગજ કી દૂરી. LUXURI ગણાય! કોરોના જેવા અસંખ્ય રોગો ‘ચેપી’ હીય છે. પરંતુ તે જીવલેણ ન હોવાથી આપણે તેને ગણાતા નથી.
કોરોના જેવા મહારોગથી બચવા માટે બે સદા નિયમ છે, જે આપણે પાળતા નથી માટે, તે મહામારી બની ગયા છે. સરકાર આર્થિક હિતોને ધ્યામના રાખી ‘લોક ડાઉન’ કરવાથી દૂર રહે છે. લોક ડાઉન થી નાના અને મધ્યમ વર્ગને સહન કરવું પડે છે, વેપાર ધંધાને ગંભીર અસર પડે છે. અમેરિકા જેવી મહાસત્તા પણ ‘બંધ’થી દૂર રહી છે. બ્રિટને ‘બંધ’ રાખી કોરોનને કાબુમાં કરી લીધો છે. જ્યાં સુધી આપણે પણ ‘એક બીજાથી અંતર નહીં જાળવીએ ત્યાં સુધી આ રોગ પીછો નહીં છોડે’! સરકાર પોતાનાથી બનતા બધા પ્રયાસો કરી રહી છે. ‘આફતમાં અવ્યવસ્થા હોય’ તે પહેલો નિયમ છે. 2001ના ભૂકંપ પછીની આ બીજી કુદરતી આફત છે. કોરોનથી બચવા જરૂર પૂરતી જ અવર જવર કરો. ગપાટાં મારવા ટોળે ના વળો. સાંકડી ગલી કે માર્ગોનો ઉપયોગ ટાળો. ઘર માટેની ચીજોની ખરીદી એક સાથે કરો. મોબાઈલનો ઉપયોગ કરી સંપર્કમાં રહો. વર્ક ફ્રોમ હોમ કરો.
ઘણા લોકો એવી દલીલ કરે છે કે, ઘરમાં બેઠા રોજી કેમ મેળવવી. સાચી વાત છે. જેને મજબૂરી હોય તે જ ‘દો ગજ કી દૂરી’ નો નિયમ ન પાળે. કોરોના ભયંકર ચેપી રોગ છે, જેને માન્યામાં ન આવતું હોય તે હોસ્પિટલમાં પડેલા વ્યક્તિને પૂછી જોવે. કોરોનાની બીજી લહેરમાં યુવાનો અને બાળકો પણ ભોગ બન્યા છે. હજુ લાંબી મજલ કાપવાની છે. એક વર્ષના સંશોધનો પછી પણ બે કે ત્રણ કાચી-પાકી રસી મળી છે. વેક્સિન પણ ઝડપથી લઈ લેવી. વેક્સિન લીધા પછી પણ માસ્ક અને દૂરીના નિયમો પાળવા આવશ્યક છે. સમયાંતરે કોરોના નવા નવા રૂપ ધારણ કરે છે. વાઇરસની આ જ પ્રકૃતિ છે. આ મહામારીને સામાન્ય થતાં પાંચ વર્ષનો સમય લાગશે. માસ્ક હવે લગભગ કાયમી પહેરવેશમાં ગણવું પડશે. ફેફસાને અસર કરતાં સિગારેટ જેવા વ્યસનો કાયમી માટે છોડવા પડશે. દરેક નાના-મોટા વેપારીએ ફરજિયાત 36 કલાક તો બંધ પાળવો જ પડશે. (શનિવારે રાતથી સોમવારે સવાર સુધી). Work Place થી બહાર પણ જીવન છે તે સ્વિકારવું પડશે! અમારા એક પાનના ગલ્લાવાળા 365 દિવસ દુકાન ખોલી બેસે છે! શા માટે? કરિયાણાના વેપારીને ‘ઘરે ગમતું નથી’ માટે રોજ થડે આવીને બેસે છે! શા માટે?
કોરોના વકરવા માટે રાજકારણ પણ જવાબદાર છે, કપરા કાળમાં મોટી મોટી રેલીઓ શા માટે? રેલીઓ ના કરી હોત તો, ઈંજેક્સન મફત ન વહેંચવા પડ્યા હોત! કોરોના પ્રોટોકોલનું સૌથી વધુ ઉલ્લંઘન નેતા લોકો જ કરે છે. આ લોકશાહીમાં ટોળાશાહી જરૂરી નથી. સત્તાધારી પક્ષે તો ટોળાશાહીથી દૂર રહેવું જોઈએ! હોસ્પિટલો ઉભરાતી હોય ત્યારે રાજકીય પક્ષના કાર્યકરોએ સેવક બની રહેવું જોઈએ. હોસ્પિટલના કાર્યોમાં મદદ કરવી, પલંગ, ગાદલાં, ભોજન જેવી સુવિધાઓ દર્દીઓ અને તેના સંબંધીઓ માટે કરવી જોઈએ! આ પણ એક શિષ્ટાચાર કે પ્રોટોકોલ છે.
મહાઆફતના સમયમાં સંયમ જાળવવો તે નાગરિકોની ફરજ છે. હોસ્પિટલોએ વ્યાજબી ભાવ લેવા તે પણ શિષ્ટાચાર જ છે! પાયાની બાબત એ જ કે તમામ નાગરિકોએ માસ્ક, સામાજિક અંતર તો જાળવવુજ પડશે. કોરોના હઠીલો રોગ છે. તેને હળવાશથી લઈ ના શકાય. પરંતુ દુ:ખની બાબત એ છે કે નાગરિકો સ્વચ્છંદી જીવન જીવે છે. મોટાભાગના દુકાન માલિકો માસ્ક પહેરતા નથી! જે લોકોને કોરોના નથી થયો તે તેને બહુ હળવાશથી લે છે. આપણે જે રીતે ‘અંગ્રેજ મૂક્ત ભારત’ની લડાઈ લડાઈ લડયા હતા તે રીતેજ એક બની ‘કોરોના મૂક્ત ભારત’ની લડાઈ લડવી પડશે!