જામનગર શહેરના રણજીતાસગર રોડ પરના ગ્રીનસિટીમાં રહેતા યુવાને એક વર્ષ અગાઉ પ્રેમ લગ્ન કર્યા હતાં. જેનો ખાર રાખી ત્રણ શખ્સો દ્વારા અવાર-નવાર માથાકૂટ કરી ધમકી આપતા હતાં. આ ત્રાસથી કંટાળીને યુવાને ઝેરી દવા પી આપઘાત કર્યાના બનાવમાં મૃતકના પિતાએ ત્રણ શખ્સો વિરૂધ્ધ મરી જવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પર આવેલ ગ્રીનસિટી 11 મા રહેતા સાગર ગોવિંદભાઇ સોલંકી (ઉ.વ.30) નામના યુવાનને તેના કૌટુંબિક કાકાજી સસરા કે અન્ય કોઇ વ્યકિત હેરાન પરેશાન કરતા હોવાથી યુવાને ગત તા.1 એપ્રિલ ગુરૂવારે બપોરના સમયે તેના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન શુક્રવારે બપોરના સમયે મોત નિપજયું હતું. દરમિયાન આ બનાવમાં મૃતક યુવાનના પિતા ગોવિંદભાઈએ નોંધાવેલી ફરિયાદમાં દિલીપ રમેશ ચૌહાણ, તુલસી રમેશ ચૌહાણ અને પ્રકાશ માયા ચૌહાણ નામના ત્રણ શખ્સો દ્વારા મૃતક યુવાને એક વર્ષ અગાઉ પ્રેમ લગ્ન કર્યા હતાં. જેનો ખાર રાખી આ ત્રણેય શખ્સો મૃતક સાથે માથાકૂટ કરી પતાવી દેવાની ધમકી આપતા હતાં. ત્રણ શખ્સો દ્વારા અપાતા શારીરિક-માનસિક ત્રાસી જઈ સાગરે આપઘાત કર્યો હતો. આ બનાવમાં મૃતકના પિતાએ ત્રણ શખ્સો દ્વારા ત્રાસ આપી મરી જવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પીએસઆઈ એસ.પી. સોઢા તથા સ્ટાફે ગુનો નોંધી ત્રણેય શખ્સોની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.